મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના દરિયાપુર ખાતે ટોરેન્ટ પાવર દ્વારા વીજ ચોરીનું મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટુકડી સાથે પોલીસ પણ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને ટોરેન્ટની ટુકડી પર સ્થાનિકો ગુસ્સે થયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ચાર પોલીસ કર્મચારીઓ અને ચાર ટોરેન્ટના માણસો એમ આઠ વ્યક્તિ ઘાયલ થયા હતા. સમગ્ર બનાવ મામલે લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


 

 

 

 

 

ઘટના એવી બની કે આજે સવાર સવારમાં ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા પોલીસ સાથે મળી દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળમાં તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. વીજ ચેકિંગ કરતાં હતા ત્યારે લોકો સાથે ઘર્ષણ જેવો માહોલ બની ગયો હતો. અહીં સુધી કે લોકોએ પોલીસની હાજરીની પણ નોંધ ન લીધી અને હુમલો કરી દીધો. જેમાં ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

દરિયાપુરમાં પોલીસ પર હુમલો થયો છે તેવી જાણ થતાં જ પોલીસની અન્ય ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસે સઘન કાર્યવાહી કરતાં મામલો કાબુમાં કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.