મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાંથી ગુમ થયેલી સાત વર્ષની માસુમ દીકરી દીકરીની લાશ અમદાવાદના ઓગણજ ટોલનાકા પાસેથી મળી હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ દીકરીના મામા ભાવેશ મિસ્ત્રીની હત્યા અને દુષ્કર્મના પ્રયાસ મામલે ધરપકડ કરી છે.

ગોતામાં રહેતી સાત વર્ષની દીકરી પોતાના ઘરની પાસેથી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. આ મામલે સોલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ ગુમ થયાના ત્રણ દિવસ પછી દીકરીની લાશ ઓગણજ ટોલનાકા પાસેથી મળી આવી હતી. 

આ મામલે તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટર બારડના રડારમાં ગોતા હાઉસિંગમાં રહેતો ભાવેશ મિસ્ત્રી આવ્યો હતો. ભાવેશ મિસ્ત્રીને દીકરીની માતાએ ધર્મનો ભાઈ માન્યો હતો.

દીકરી ભાવેશને મામા કહી સંબોધતી હોવાના કારણે બનાવના દિવસે ભાવેશ સાથે જવા તૈયાર થઈ હતી. ભાવેશ તેને રિક્ષામાં ઓગણજ લઈ ગયો હતો અને ટોલનાકા પાસે તેણે તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોતે જેને મામા માની રહી છે તે વ્યક્તિનો વ્યવહાર જોઈ તે ડરી ગઈ અને બુમો પાડવા લાગી હતી. જેથી ભાવેશે તેનું ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ ભાવેશ ત્યાંથી નીકળી ગયો હતો અને છોકરીને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવું નાટક કરવા લાગ્યો. ત્રણ દિવસ સુધી દીકરીની લાશ ત્યાં જ પડી રહી જોકે બાદમાં પોલીસને છોકરીની લાશ મળી હોવાની વિગતો મળતાં પોલીસે વધુ તપાસ કરી હતી અને તેમાં તેની હત્યા કરનારો ખુદ તેનો મામો જ હોવાનું બહાર આવ્યું હતું.