મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત પોલીસના ઘણા જવાનો વિવિધ માનસિક તણાવને કારણે અત્યાર સુધી આત્મહત્યાનો રસ્તો પકડી ચુક્યા છે. પોલીસ કર્મચારીઓના આપઘાત પાછળ ઘણીવાર પારિવારિક, પોતાના જ અધિકારીની કનડગત વગેરે જેવા ઘણા કારણો સામે આવી ચુક્યા છે. અમદાવાદમાં એક પોલીસ કર્મચારીએ પોતાના ગળામાં ફાંસો લગાવી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ કોન્સટેબલનું નામ ભૂરા પગી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તેનો દારુ પીધેલો વીડિયો વાયરલ થયો હતો. જેને કારણે ભૂરાની આત્મહત્યા પાછળ વાયરલ વીડિયો જ કારણભૂત હોય તેવી શંકાઓ ઉપજી રહી છે. જોકે પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂરા પગી ગોમતીપુર પોલીસ લાઈનના મકાનમાં રહેતા હતા. તેઓએ ગળેફાંસો ખાઈ લઈને પોતાની જીવા દોરી ટુંકાવી દીધી હતી. પોલીસને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારો પોલીસ તુરંત સ્થળ પર પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસને તેની પાસેથી કોઈ અંતિમચીઠ્ઠી કે અન્ય કોઈ એવો પુરાવો હાથ લાગ્યો ન હતો કે જેથી નક્કર રીતે આત્મહત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલા ભૂરા પગીનો એક દારૂ પીધેલી હાલતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો જેને કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હોવાની જાણકારી મળી હતી. તેમની આત્મહત્યા પાછળ આ વીડિયો હોય તેવી શક્યતાઓ લોકો વર્ણવી રહ્યા છે. પોલીસ આ કેસમાં વધુ તપાસની તજવીજ હાથ ધરી રહી છે.