(બાળક મળી આવ્યો ત્યારે અને ત્યારબાદ બાળકની કાયાપલટ)
મેરાન્યૂઝ, અમદાવાદ:
પોલીસની ખાખી વર્દીમાં રહેલો કડક દેખાતો વ્યક્તિ પણ એક માણસ જ અને તેને પણ આપણા જેવી જ લાગણી હોય છે. જેને લોકો સમક્ષ રજૂ કરતી એક ઘટના અમદાવાદના બોપલ વિસ્તારમાં બની છે. સોમવારની સાંજે બોપલ વિસ્તારમાં પાંચ વર્ષનો એક બાળક મળી આવ્યો હતો. જે કેટલાક દિવસથી ન્હાયો પણ ન ન હતો અને મેલા-ઘેલા વસ્ત્રોમાં હતો. પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ભૂરિયા કાલિયા હોવાનું જણાવ્યું હતું. જો કે તે પોતાના પરિવાર વિશે કશું જણાવી શક્યો ન હતો. જેથી બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ યશપાલસિંહ આ બાળકને પોતાના ઘરે લઇ ગયા હતા અને તેને સ્નાન કરાવી તથા જમાડીને પરત પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતાં.
જો કે જ્યારે આ બાળકને હેડકોન્સ્ટેબલ યશપાલસિંહ ઘરે લઇ ગયા ત્યારે તે મેલી-ઘેલી હાલતમાં હતો પરંતું જ્યારે તેને પરત લઇ આવ્યા તો જાણે તેની કાયાપલટ થઇ ગઇ હતી. તેને ઉજળોવાન નિખરી ઉઠ્યો હતો અને સારા કપડા પણ પહેરેલા હતાં. પોતાનું નામ ભૂરિયા કાલિયા હોવાનુ જણાવનાર બાળક પોતે આંબાવાડી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જો કે આંબાવાડી પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ પણ તેના કોઇ વાલી વારસોનો આજે બપોર સુધીમાં સંપર્ક થઇ શક્યો ન હતો. જો આ બાળકના વાલી વરસો અંગે કોઇને જાણ થાય તો બોપલ પોલિસ સ્ટેશન અથવા અમદાવાદ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ખાખીનો એક લાગણીશીલ ચહેરો પણ જોવા મળ્યો હતો.