પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે થોડા દિવસ પહેલા અમદાવાદના ત્રણ પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લીધી. આમ તો પોલીસ કમિશનર સામાન્ય સંજોગોમાં વાહનોના કાફલા અને તામજામ સાથે ફરતા હોય છે, પણ તે દિવસે કમિશનર શ્રીવાસ્તવ ખાનગી કપડામાં, ખાનગી વાહનમાં અને સામાન્ય માણસ બની પોતાનો મોબાઈલ ફોન ચોરાયો છે તેવી ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ કમિશનરનો ઈરાદો એવો હતો કે પોલીસ પોલીસ સ્ટેશનમાં આવનાર ફરિયાદી સાથે કેવો વ્યવહાર કરે છે તે તેમને જાણવું હતું.

અમદાવાદના સાબરમતી, રાણીપ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા પોલીસ કમિશનર શ્રીવાસ્તવની ફરિયાદ તો નોંધવામાં આવી, પણ તેમણે નોંધ્યું કે કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં આરામ ફરમાવી રહ્યા હતા, કેટલાક યુનિફોર્મ વગર ફરી રહ્યા હતા અને કેટલાક ફરજ પર મોડા આવી રહ્યા હતા. આ પ્રકારે પોલીસ સ્ટેશનની મુલાકાત લેનાર શ્રીવાસ્તવ પહેલા પોલીસ કમિશનર નથી, અગાઉના વર્ષોમાં પણ કેટલાક પોલીસ કમિશનર આ રીતે સરપ્રાઈઝ ચેકિંગ કરી ચુક્યા હતા. અહીંયા એક વાત બીજા કરતાં કાંઈક જુદી હતી.


 

 

 

 

 

પોલીસદળમાં યુનિફોર્મ નહીં પહેરવો, પોલીસ સ્ટેશનમાં આરામ ફરમાવો, ફરજ પર મોડા આવવું આ તમામ મુદ્દાઓ ગેરશિસ્ત ગણાય છે. અગાઉ અનેક કિસ્સામાં પોલીસ જવાનો આ કારણસર સસ્પેન્ડ પણ થઈ ચુક્યા છે, પણ પોલીસ કમિશનર શ્રીવાસ્તવે આ પ્રકારનો વ્યવહાર કરનારા પોલીસ જવાનો સામે આકરા થવાને બદલે તમે આવું કેમ કરો છો? તેવો પ્રેમ પુર્વક સવાલ કર્યો હતો. શિસ્તના નામે તેમની ઉપર જોહુકમી થાય છે તેવું મોટા ભાગની પોલીસ માનતી હોય છે.

પોતાના કામ, વ્યવહાર, દેખાવ અને પરિણામમાં ઉત્તમની અપેક્ષા સતત પોલીસ પાસે રાખવામાં આવે છે. પોલીસે તમામ પરીક્ષામાં ખરા જ ઉતરવું અને ક્યાંય તેણે નાપાસ થવું નહીં તેવી અપેક્ષા માત્ર સિનિયર અધિકારીઓ નહીં, સરકાર અને પ્રજા પણ રાખે છે. ક્યારેક લોકો સાથે દુર્વ્યવહાર કરતો પોલીસ, ક્યારેક ફરિયાદીને ધમકાવતો પોલીસ, ક્યારેક બેજવાબદાર બનતો પોલીસ આવું કેમ કરે છે, તેને ગુસ્સો કેમ આવે છે. તેવું તેને કોઈ જ પુછતું નથી. પોલીસ કમિશનર સંજય શ્રિવાસ્તવે નિયમ પ્રમાણે જેને ગેરશિસ્ત કહી શકાય તેવા તમામ પોલીસ જવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે તમે ફરી આવું કરતાં નહીં એટલું જ કહ્યું. કદાચ પોલીસ માટે આ ઘટના તેમનો ઈજાફો રોકવો અને સસ્પેન્ડ કરવા કરતાં પણ મોટી હતી. નાના પોલીસ કર્મચારીઓએ એવી અપેક્ષા રાખવાનું છોડી દીધું છે કે તેમના સિનિયર તેમની સાથે સારો વ્યવહાર કરશે. સિનિયર્સની ધમકી, સિનિયર્સની દાદાગીરી અને સસ્પેન્ડ થવાના ડરમાં રહેલો પોલીસ તક મળે ત્યારે તેની સાથે જેવો વ્યવહાર થાય છે તેવો જ વ્યવહાર તે પોતાના કરતાં નબળા લોકો સાથે કરે છે.

અમદાવાદના પોલીસ કમિશનર પદે એ કે સિંગ હતા ત્યારે તેમણે ફરમાન કર્યું હતું કે, કોઈપણ પોલીસ કર્મચારીએ તેમને મળવા માટે સમય લેવાની જરૂર નથી અને તેઓ વગર મંજુરીએ તેમને મળવા આવશે તો તેને ગેરશિસ્ત ગણવામાં આવશે નહીં. જિલ્લા, શહેર અને રાજ્યના પોલીસ વડાની ભૂમિકા દળના પિતા સમાન હોય છે. જ્યારે તેઓ તેમની સાથે સાલસ વ્યવહાર કરે છે તેની અસર દળના છેલ્લા કોન્સ્ટેબલ સુધી થાય છે. આવા જ એક પ્રયોગની શરૂઆત અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કરી છે.

સહાભાર (ગુજરાતમિત્ર)