મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કાયદો બધા માટે સમાન હોય છે, તેવુ કાયદાનું પુસ્તક કહે છે, પણ તેવુ વાસ્તવમાં થતુ નથી, કાયદો જેમણે અમલ કરાવવાનો હોય છે. તે સામે કોણ છે તેના આધારે કાયદાનું અર્થઘટન કરે છે, ચુંટણીના માહોલમાં વિરોધ પક્ષની સતત ફરિયાદ રહેતી હોય છે કે અધિકારીઓ સત્તાધારી પક્ષની તરફેણમાં નિર્ણય કરતા હોય છે. પણ અમદાવાદમાં પહેલી વખત એવી ઘટના ઘટી રહી છે, જેમાં અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે મોદી સાથે રાહુલ ગાંધીના રોડ શો અને સભાને પણ રદ કરવામાં આવી છે, પરંતુ રાહુલ ગાંધી સાથે દેશના અનેક રાજયોમાં આવુ થયુ છે, પણ નરેન્દ્ર મોદીને મંજુરી ના મળી હોય તેવી પહેલી ઘટના છે.

તા 12મી ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી અમદાવાદના ઘરણીધર દેરાસરથી લઈ બાપુનગર સુધી રોડ શો કરવાના હતા, તેવી જ રીતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મેમ્કો વિસ્તારમાં રોડ શો અને સભા કરવાના હતા, પણ અમદાવાદ પોલીસ કમિશનરે ભાજપ અને કોંગ્રેસ દ્વારા માંગવામાં આવેલી મંજુરી રદ કરતા જણાવ્યુ હતું કે આ રોડ શોને કારણે શહેરનો  ટ્રાફિક ખોરવાઈ જશે કારણ તા 12ના રોજ ચાલુ દિવસ છે, આ ઉપરાંત રોડ શો શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતો હોવાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડી શકે છે. આ સંજોગોમાં રોડ શો અને સભાને મંજુરી આપવામાં આવતી નથી.

1985 બેચના આઈપીએસ અધિકારીએ એ કે સિંગ તેમને પ્રમાણિકતાને કારણે લાંબો સમય સુધી સાઈડ પોસ્ટીંગમાં જ રહ્યા હતા, પરંતુ અમદાવાદમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને દારૂનો બેફામ વેપારને કારણે વડાપ્રધાન કાર્યાલયે અમદાવાદના પોલીસ કમિશનર શીવાનંદ ઝાને ખસેડી એ કે સિંગને પોલીસ કમિશનર પદે નિયુકત કરવા ગુજરાતના ગૃહ વિભાગને આદેશ આપ્યો હતો. હમણાં સુધી એ કે સિંગની કાર્ય પધ્ધતિ સામે સરકારને વાંધો ન્હોતો, પણ પહેલી વખત દેશમાં કોઈએ પોલીસ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને મંજુરી આપવાનો ઈન્કાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના છે. જેના પડધા આગામી મહિનાઓ પડે તેવી સંભાવના છે.