પ્રશાંત દયાળ (મેરાન્યુઝ અમદાવાદ): સામાન્ય માણસની ફરિયાદ હોય છે કે, પોલીસ સ્ટેશનમાં જ્યારે તેઓ ફરિયાદ કરવા જાય ત્યારે ફરજ પરના પોલીસ અધિકારીઓ ફરિયાદ લેવામાં વિલંબ કરે છે અને વ્યવહાર સારો કરતા નથી.

હજી થોડા મહિના પહેલા જ અમદાવાદ પોલીસ કમિશ્નરનું પદ સાંભળનાર સંજય શ્રીવાસ્તવે પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે એ તપાસવા ફરિયાદી બની પોલીસસ્ટેશન જવાનું  નક્કી કર્યું. રવિવારની વહેલી સવારે સાદા કપડામાં અને નિયમીત તેમની આંખો પર રહેતા ચશ્મા હટાવી મોઢા ઉપર માસ્ક બાંધી પોતાની ખાનગી કારમાં એકલા પોલીસસ્ટેશન પહોંચ્યા હતા.

અમદાવાદના રાણીપ, ચાંદખેડા અને સાબરમતી પોલીસસ્ટેશનમાં ફરિયાદી બની પહોંચેલા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ફરજ પરના પોલીસ અધિકારીને કહ્યું કે,  સાહેબ, મારો ફોન ચોરાઈ ગયો છે. મારે ફરિયાદ આપવી છે. જોકે, ત્રણેય પોલીસસ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ગુજરાતી-હિન્દી મિશ્રિત બોલી રહ્યા હોવાને કારણે એક પોલીસસ્ટેશનના કર્મચારીએ તેમને પૂછ્યું કે, ક્યાંના વતની છો? ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે, હું ઉત્તરપ્રદેશનો વતની છું. આ ત્રણેય પોલીસસ્ટેશનના કર્મચારીઓને ખબર ના પડી કે ફરિયાદ નોંધાવી રહ્યા છે તે પોલીસ કમિશ્નર છે.

પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવે નોંધ્યું કે, એક પોલીસસ્ટેશનમાં જવાનો આરામ કરી રહ્યા હતા. જ્યારે અન્ય એક પોલીસસ્ટેશનમાં શિફ્ટ પૂરી થયા પછી સ્ટાફ અડધો કલાક મોડો આવ્યો હતો. આ ત્રણેય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાયા પછી કમિશ્નર શ્રીવાસ્તવે સામાન્ય માણસ તરીકે તેમની ફરિયાદ નોંધવા બદલ તેઓને અભિનંદન આપ્યા હતા. પણ જયારે સ્ટાફને ખબર પડી કે, આ ખુદ પોલીસ કમિશ્નર છે ત્યારે તેઓ ડરી ગયા હતા. પણ કમિશ્નરે પોતાના હોદ્દાનો રુઆબ છાંટવાને બદલે તેમણે જે ત્રુટિઓ જોઈ તે સુધારવાની તાકીદ કરી. તેમણે સ્ટાફને કહ્યું: જેવો વ્યવહાર મારી સાથે કર્યો તેવો જ સામાન્ય માણસ સાથે પણ કરજો.

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમારા સંવાદદાતાને કહ્યું કે, પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે એ જાણવાનો આ એક પ્રયાસ હતો.