પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરાનાની છેલ્લા સાંઈઠ દિવસથી ચાલી  રહેલી લડાઈમાં સૌથી વધારે કફોડી સ્થિતિ પોલીસ જવાનો અધિકારીઓની થઈ છે.દેશની પહેલી આ માહમારી છે જેમા માહમારીને  રોકવા માટે પોલીસને રસ્તા ઉપર ઉતારવાની ફરજ પડી  છે, જેના કારણે પ્રજા સાથે પણ સતત પોલીસને ઘર્ષણમાં ઉતરવું પડયું છે અને તેમની ઉપર પથ્થરમારાની અનેક ઘટનાઓ ઘટી છે, લોકોની ચીંતા કરતી પોલીસ પણ આ માહમારીનો ભોગ  બની છે, એકલા અમદાવાદમાં 280  કરતા વધુ પોલીસ જવાનો અધિકારીઓ કોરોનાનો ભોગ બન્યા છે.

કોરોનાનો ભોગ થનાર પોલીસ જયારે  સારવાર માટે સરકારી દવાખાનામાં જતી હતી ત્યારે તેેમને બહુ માઠા અનુભવો થતાં હતા, અને યોગ્ય સારવાર મળી  રહી નથી, અથવા તેમની તકેદારી રાખનાર કોઈ નથી તેવી લાગણી  તેવો અનુભવી રહ્યા હતા,તાજેતરમાં અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ વિષ્ણુ ચૌહાણને કોરાના થયા પછી અમદાવાદ સિવિલમાં જે અનુભવ થયો તે  તેમણે ફેસબુક  ઉપર મુકતા અમદાવાદ  પોલીસ કમિશનર આશીષ ભાટીયા સહિત આ બાબત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવી હતી.

સમયની વક્રતા એવી છે કે પોલીસ જે આરોપીને પોલીસ પકડે તે આરોપીનો કોરોનોના ટેસ્ટ કરાવી કોર્ટમાં રજુ  કરવાનો આદેશ છે, પરંતુ જયારે પોલીસ  પોતાનો કોરોનોના ટેસ્ટ કરાવવા સિવિલ જતી હતી ત્યારે ડૉકટરો ગાઈડ લાઈનના બહાને ટેસ્ટ કરતા ન્હોતા, જેઓ દાખલ છે. તેમને યોગ્ય સારવાર મળતી નહીં હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. અમદાવાદ પોલીસ  કમિશનર આશીષ ભાટીયા  સુધી  આ ફરિયાદ પહોંચી ત્યારે તેમણે વિકટ પરિસ્થિતિમાં કામ કરતી પોલીસને ઉત્તમ સારવાર મળે  તેવો  નિર્ણય કરતા અમદાવાદની પ્રસિધ્ધ ખાનગી  શેલ્બી હો્સ્પિટલમાં  પોલીસની સારવાર કરાવવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદી ડીસીપી કંટ્રોલ રૂમ વિજય પટેલે જણાવ્યુ કે હમણા સુધી 280 જેટલા પોલીસ જવાનો સંક્રમણનો ભોગ બન્યા  છે જેમાંથી 91 હાલમાં સારવાર હેઠળ  છે પણ હવે નરોડા ખાતે આવેલી શેલ્બી હોસ્પિટલમાં સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાત અન્ય ખાનગી હોસ્પિટલ  સાથે  ચર્ચા ચાલુ છે. અમદાવાદ પોલીસ સહિત પોલીસની મદદમાં રહેલા  ટીઆરબી અને હોમગાર્ડ જવાનો, એસઆરપી અને પેરામીલેટરીને પણ આ સેવાનો લાભ મળશે, આ સારવારનો તમામ ખર્ચ અમદાવાદ પોલીસ ઉપાડશે.