મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં આધેડ વયના શખ્સે માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. દરમિયાન આરોપી યુપી ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયો છે. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વાડજ વિસ્તારમાં માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર રામચરણ જયશ્રી ચૌહાણ (ઉં.53)ને વાડજ પોલીસે કાલુપુર રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ રામચરણ વતન ઉત્તર પ્રદેશ ભાગી જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. જોકે રામચરણને ભગાડવામાં તેના મકાન માલિક ધરમસિંહે મદદ કરી હોવાથી પોલીસે મદદગારી કરવા બદલ ધરમસિંહની પણ ધરપકડ કરી હતી.

Advertisement


 

 

 

 

 

વાડજમાં ભાડાના મકાનમાં રહેલા રામચરણે તેમના જ ઘરમાં નીચે રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચરી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ વી. આર. ચાવડાને બાતમી મળી હતી કે, રામચરણ ઉત્તર પ્રદેશના બનારસનો વતની હોવાથી તે વતન જવા માટે કાલુપુર રેલવેે સ્ટેશન ગયો છે, જેના આધારે પોલીસે રાતે 11 વાગે કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી રામચરણને પકડી પાડ્યો હતો.

દુષ્કર્મની ઘટના બાદ હોબાળો થતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. લોકો રામચરણને મારી નાખે તેવી દહેશતથી મકાન માલિક ધરમસિંહે રામચરણને ભગાડી દીધો હતો, જેથી ભગાડવામાં મદદ કરવા બદલ પોલીસે ધરમસિંહની પણ ધરપકડ કરી છે.