મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ:  ટ્રાફિકના નવા નિયમોના અમલ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિકોના નિયમોને તોડતા લોકોને નવા દંડ સાથે ધડાધડ મેમો ફટકારી રહી છે.  નિયમ ભંગ કરતા લોકોને પકડીને તેમની પાસેથી તોતિંગ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ માટે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકોમાં એવી ધારણા છે કે ટ્રાફિકના નિયમના ભંગ બદલ નાના લોકો જ દંડાતા હોય છે, પરંતુ લક્ઝરી ગાડીઓવાળા તેમજ રાજકીય વગ ધરાવતા લોકો દંડાતા નથી. જોકે, આ ધારણાને ખોટી પાડતા અમદાવાદ ટ્રાફિક પોલીસે બુધવારે નંબર પ્લેટ અને યોગ્ય કાગળો ન હોવાને લીધે 80 લાખ રૂપિયાથી વધુની કિંમતની એક કારને ડિટેઇન કરી હતી.

અમદાવાદના પોશ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસે બુધવારે નંબર પ્લેટ અને યોગ્ય દસ્તાવેજ ન હોવાને લીધે 80 લાખ રૂપિયાથી વધુની કિંમતની એક હાઇટેક કારને ડિટેઈન કરી છે. અમદાવાદ પોલીસે આ કાર્યવાહી અંગેની જાણકારી પોતાના ઓફિશિયિલ ટ્વિટર હેન્ડલ પર મૂકી હતી. જે બાદ લોકો અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. જ્યારે અમુક લોકો એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસની કાર્યવાહી દેખાડા માટે થોડા દિવસ સુધી જ ચાલશે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એસ.જી. હાઇવે પર સિંધુ ભવન ત્રણ રસ્તા પર બુધવારે ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. તે દરમિયાન ટ્રાફિક પોલીસને ફૉર્ડ મુસ્ટાંગ કારના ચાલકને મેમો પકડાવીને ગાડીને ડિટેઇન કરી દીધી હતી. પોલીસના ટ્વિટ પ્રમાણે આ ગાડીની આગળની અને પાછળની નંબર પ્લેટ ન હતી. આ ઉપરાંત ચાલક પાસે ગાડીના જરૂરી કાગળો પણ ન હતા. જેથી ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 51, 196, 177 અને 207 પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસે જાહેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ગાડીની આગળની અને પાછળની નંબર પ્લેટની જગ્યાએ કાળી પ્લેટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત આગળ અને પાછળની નંબર પ્લેટની નીચે અંગ્રેજીમાં “જાડેજા” લખેલું છે. આ ગાડી મહીપતસિંહ જગતસિંહ જાડેજાને નામે નોંધાયેલી છે. ટ્રાફિક પોલીસે કાર ચાલકને સાતમી નવેમ્બરના રોજ 11 વાગ્યા કોર્ટમાં હાજર રહેવાનો મેમો આપ્યો છે.