મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગોકુલ રો હાઉસ પાસેના રોડ પર સોમવારે મોડી રાત્રે એક કારએ એક્ટિવાચાલકને ભટકાવી દેતાં યુવકનું મોત થયું હતું. આ કાર દાણિલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની હતી. તેમની કારે એક એક્ટિવા ચાલકને કચડી દેતાં ભારે ચકચાર મચી છે. જોકે ત્યાંના લોકોનું કહેવું છે કે કારની સ્પિડ અત્યંત વધુ હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં આરોપી પોતે પોલીસ પાસે હાજર થઈ જતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસે ધારાસભ્યની કાર પણ કબજે લીધી હતી.

અમદાવાદના મેમનગર સ્થિત 132 ફૂના રિંગ રોડ પર એઈસી બ્રીજથી મેમનગર ગામ તરફ જવાના રોડ પર એક કારે ફૂલ ઝડપે આવી સોમવારની રાત્રે પ્રફુલભાઈ પટેલ (સતાધાર)નામના એક્ટિવા ચાલકને ફંગોળી નાખ્યા હતા. સ્પીડમાં આવતી કારની ટક્કર વાગતા પ્રફૂલભાઈ રોડ પર પડી ગયા અને ઢસડાયા હતા. જેમાં તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ કાસ એક ઈનોવા હતી. જેના ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. શૈલેષ પરમારનું કહેવું છે કે, હું દિલગીર છું. મારો ડ્રાઈવર કાર લઈને નીકળ્યો હતો તે વખતે આ ઘટના બની હતી. હાલ કાર શૈલેષ પરમારના ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે જો ધારાસભ્ય પરમાર કે તેમનો પુત્ર કાર ચલાવતો હશે તો કાયદો સૌના માટે એક સમાન છે કોઈને છોડવામાં નહીં આવે. આ મામલે પોલીસ આધાર પૂરાવાના આધારે જ કાર્યવાહી કરશે જોકે, અત્યારસુધી શૈલેષ પરમાર કાર ચલાવતા હતા કે નહીં તેની કોઈ પણ પ્રકારની માહિતી મળી શકી નથી.