મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અસલાલી ખાતેના હાથીજણ સર્કલ પાસેના પેટ્રોલ પંપ પાસે થોડા દિવસો અગાઉ એક બે કોથળામાં ભરેલી લાશના અવયવો મળ્યા હતા. જેમાં હાથ પગ, ધડ બધું અલગ અલગ ટુકડા કરેલું હતું. જોકે તેમાં વ્યક્તિનું માંથુ કે તેની આંગળીઓના ભાગ ન હતા. પોલીસ માટે આ એક મોટો પ્રશ્ન હતો કે આ લાશ કોની છે. જોકે હત્યારાને પકડવાની પહેલા તેમને વ્યક્તિ કોણ છે તેની ઓળખ કરવાની કડી મેળવવાની હતી.

અમદાવાદની અસલાલી પોલીસે જ્યારે આવી ક્રુર હત્યા જોઈ ત્યારે તે પણ ચોંકી ગયા હતા. આ અરસામાં અમદાવાદના ગોમતીપુર ખાતે એક યુવક ગુમ થયાની બાબત સામે આવી હતી. જે વ્યક્તિની મોટા ભાગની વિગતો આ મળેલી લાશ સાથે મળતી આવતી હતી. પોલીસે આ સંદર્ભે ડીએનએ ટેસ્ટની કામગીરી હાથ ધરી હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

અસલાલી સર્કલ થી હાથીજણ જતા શ્યામ આઇકોન બિલ્ડીગની સામે રીંગ રોડ ઉપર ગઇ તા. ૦૩/૧૧/૨૦૧૯ ના રોજ બે સફેદ મીણિયા પ્લાસ્ટિકના કોથળામાં આશરે ૩૫ થી ૪૦ વર્ષના ઉમરના પુરૂષની અસંખ્ય કટકા કરેલી લાશ મળી આવેલ જેમાં બન્ને હાથના પંજા તથા માથુ ન હતું અને ગુપ્ત ભાગે સુન્નત કરેલ શિશ્ર્ન કાપી નાખેલ હાલતમાં મળી આવી હતી. કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર તેની હત્યા કરી તેના નાના ટુકડા કરી ઓળખ છુપાવવા માથું અને બન્ને હાથના પંજા ગુમ કરી નાખ્યા હતા.

ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુનો શોધી કાઢવા માટે આર.વી અસારી પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્યના માર્ગદશર્નમાં અને કે.ટી.કામરિયા, નાયબ પોલીસ અધિક્ષક, સાણંદ વિભાગના સુપરવિઝનમાં સ્થાનિક પોલીસ, LCB, SOG, પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ -૪ ટીમો બનાવી હત્યાનો ગુનો શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં સૈાપ્રથમ જે જગ્યાએ પાર્સલ મળી આવ્યું હતું તે અસલાલી સર્કલ પાસે રિંગરોડની આસ-પાસની જગ્યાના C.C.T.V ફુટેજ મેળવવા બે ટીમોને કામે લગાડવામાં આવી, તેમજ બે ટીમોને અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા-૦૨/૧૧/૨૦૧૯ પછી કોઇ ગુમ થયેલું હોય તો તેની માહિતી મેળવવા સૂચના આપી હતી. દરમિયાન ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તા-૦૨/૧૧/૨૦૧૯ ના રોજ સાકીરભાઇ અબ્દુલમલેક શેખ ઉ.વ-૪૦ રહે છોટાલાલની ચાલી મરીયમ બીબીની સામે, ગોમતીપુરનો ગુમ થયો હતો. જે અંગે ગુમ જાણવા જોગ દાખલ થઈ હતી. ગુમ થયેલ વ્યકિતની ઉંમર તથા ગુમ થવાનો સમય અને અસલાલી પોલીસ સ્ટેશનમાંથી મળી આવેલી લાશના સમય સાથે બંધબેસતા હોય જેથી ગુમ થનાર વ્યકિતના માતાપિતાના બ્લડના સેમ્પલ લઇને મળી આવ્યાને લાશના ટુકડાના લોહીના સેમ્પલ લઇ FSL દ્વારા D.N.A ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે D.N.Aનો રિપોર્ટ આવવા ઉપર બાકી છે.

જે જગ્યાએથી લાશ મળી આવી હતી તે જગ્યાની આસપાસના  C.C.T.V ફુટેજ મેળવતા એક એકટીવા તથા તેમની પાછળ એક ઓટો રિક્ષા આવે છે અને રિક્ષામાંથી પાર્સલ ઉતારી રિક્ષા યુ ટર્ન મારી અસલાલી સર્કલ તરફ જતી દેખાય છે. જેથી સ્પષ્ટ થયું કે આ પાર્સલો એક એકટીવામાં એક વ્યકિત તથા તેની પાછળ એક ઓટો રિક્ષામાં લાવી રિંગ રોડ ઉપર ઉતારી ગયા હતા. જેથી બનાવ વાળી જગ્યા ઉપર જે તરફથી એકટીવા અને ઓટોરિક્ષા આવે તે રોડ ઉપરના C.C.T.V ફુટેજ ચેક કરાવતા આશરે ૧૦૦ C.C.T.V ફુટેજ તપાસવામાં આવ્યા જેમાં  L.C.B ટીમને ઇસનપુર  ચાર રસ્તા પાસેના C.C.T.V ફુટેજ ચેક કરતા એક ઓટો રિક્ષા કલાક-૦૩/૫૫ વાગ્યે ઇસનપુર તરફથી આવીને નારોલ સર્કલ તરફ જતી દેખાઈ અને તે જ ઓટો રિક્ષાની પાછળ એક એકટીવા પણ પસાર થતું દેખાયું જે C.C.T.V ફુટેજને એનલાર્જ કરી જોતા એકટીવાનો નંબર  GJ-27-CG-6563 જોવા મળ્યો અને ઓટો રિક્ષાનો નંબર GJ-01-TE-6069 જોવા મળ્યો એકટીવાના નંબર ઉપરથી માલીકની તપાસ કરવા માટે ડી.એન. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.સી.બી તથા તેમની ટીમને કામ સોંપવામાં આવ્યું.

જેથી તપાસ કરતા આ એકટીવા મોહંમદ મતલુબ મોહંમદ ફારૂખ શેખ રહે, ગોમતી પુર અમદાવાદવાળાના નામે હતું. આ શખ્સ તથા ગુમ થનાર સાકીર બન્ને મિત્રો હતા અને પાર્ટનર શીપમાં કાપડનો ધંધો કરતા હતા. છેલ્લે ગુમ થનાર સાકીર મતલુબ પાસે હતો તે પ્રકારની વિગત ધ્યાનમાં આવી તેમજ ઓટો રિક્ષાના નંબર ઉપરથી માલીકની તપાસ કરતા આ ઓટો રિક્ષા શીવકુંજન શીતલા પ્રસાદ તિવારી રહે - નરોડા અમદાવાદના નામે હતી અને ઓટોરિક્ષા અંગે પુછતા આ ઓટો રિક્ષા તેમણે યુસુફભાઇને ભાડે આપેલી હતી. જેથી યુસુફભાઇની તપાસ કરતા યુસુફભાઇ મળી આવ્યો અને તેની પુછપરછ કરતા યુસુફભાઇએ જણાવ્યું કે તે તા-૨,૩/૧૧/૨૦૧૯  ની રાત્રે ઓટો રિક્ષા લઇને ગોમતીપુરથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જતા હતા ત્યારે એક એકટીવા વાળા ભાઇ આવ્યા અને તેમને રોકીને પુછ્યું કે અસલાલી આવવું છે. જેથી યુસુફભાઇએ હા પાડી જેથી તે ભાઇએ બે પાર્સલ છે. ૧૦૦ કીલો વજનના છે તેવું જણાવી રૂપિયા  ૩૦૦/-નું ભાડું નક્કી કર્યું અને તે એકટીવા વાળાએ તેનું એકટીવા આગળ ચલાવી અને ઝુલતામીનારા પાસે એક મકાન પાસે લઇ ગયો અને ઓટોરિક્ષામાં તે ભાઇએ બે પાર્સલ મુક્યા અને ઓટોરિક્ષા અસલાલી તરફ લઇ લેવાનું કહ્યું જેથી યુસુફભાઇ તેમની ઓટોરિક્ષા આગળ ચલાવેલા અને પાછળ એકટીવા વાળા ભાઇ આવતા હતા. ઓટોરિક્ષા ઇસનપુર થઇને અસલાલી બ્રીજ ઉપર ચડતા એકટીવાવાળા ભાઇએ યુસુફને જણાવ્યું કે આપણે  રિંગરોડ ઉપર દિલ્હી તરફ લઇ લેવાની છે.

જેથી યુસુફભાઇએ કીધું કે જયાં જવાનું હોય ત્યાં તમે આગળ એકટીવા ચલાવો હું પાછળ રિક્ષા લઇ લવું છું જેથી એકટીવાવાળા ભાઇએ એનું એકટીવા આગળ ચલાવ્યું અને યુ-ટર્ન મારી સર્વિસ રોડ ઉપરથી લઇ અસલાલી સર્કલ બ્રીજ નીચેની જમણી બાજુ ટર્ન મારી દિલ્હી તરફ રીંગરોડ ઉપર શ્યામ આઇકોન બીલ્ડીંગ સામે રોડ ઉપર  બે ટ્રકો ઊભી હતી ત્યાં ઊભુ રાખ્યું. યુસુફભાઇએ તેમની રિક્ષા ઉભી રાખી એ એકટીવાવાળા ભાઇએ બે પાર્સલ ઉતારી લીધા અને યુસુફભાઇને ભાડાના રૂપિયા ૩૦૦/- તથા રૂપિયા ૫૦/- ની ટીપ આપી હતી. બાદમાં યુસુફભાઇ તેની ઓટો રિક્ષા ત્યાંથી યુ-ટર્ન મારી લાંભા રોડ થઇ નારોલ તરફ જતા રહ્યા હતા. વિગેરે હકિકત જણાવતા તે અંગેનું  રીકંન્ટ્રકસન પંચનામુ કરવામાં આવ્યું અને રિક્ષા તથા એકટીવા કબ્જે કરવામાં આવ્યા છે. આમ યુસુફભાઇની હકિકત આધારે  આ ખુન એકટીવાવાળા ભાઇ મોહંમદ મતલુબ મોહંમદ ફારૂકે જ કરી છે તે સ્પષ્ટ થયું.

મોહંમદ મતલુબ મોહંમદ ફારૂકની તપાસ કરતા આ વ્યકિતગુનો કર્યા બાદ પોતે પકડાઈ ન જાય તે માટે  તેમના વતન અમરોહા ઉત્તર પ્રદેશ તા-૦૪/૧૧/૨૦૧૯ ના રોજ જતો રહ્યો હતો. આરોપીની ચોકસ માહિતી માટે ડી.સી.બી ક્રાઇમ બ્રાન્ચ અ.વાદ શહેરની મદદ લઇ આરોપીની ચોક્કસ માહિતી મેળવવામાં આવી બાદમાં એક ટીમ તેમના વતન ઉત્તર પ્રદેશ રવાના કરી અને ત્યાં તપાસ કરતા હકિકત જાણવા મળી કે આ મતલુબ આજે ગો એર ફલાઇટમાં દિલ્હીથી અમદાવાદ આવી રહ્યો છે. આરોપી દિલ્હીથી ક. ૧૫/૩૦ વાગ્યે ફલાઇટમાં બેઠો છે. અને અમદાવાદ એરપોર્ટ ઉપર ક.૧૭/૦૫ વાગે ઉતરશે. જેથી LCB અને લોકલ પોલીસની ટીમ તથા ડી.સી.બી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ટીમને પણ એરપોર્ટ ઉપર હાજર રખાવેલી ગો એરની ફલાઇટ આવતા બન્ને ટીમોએ આરોપી એર પોર્ટની બહાર આવતા પકડી લીધા અને આરોપીની પુછપરછ કરી જેમાં આરોપીએ સાકીરને તેમના ઘરે બોલાવી પ્રથમ ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો બાદમાં આરોપીએ સાકીરનું માથુ  તથા બન્ને હાથના પંજા કાપડ કાપવાની એક કટરથી કાપી અલગ કરી દીધા, પછી સાકીરના આખા શરીરના નાના ટુકડા કરી નાખ્યા પછી એક બ્લુ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં સાકીરનું માથુ તથા બન્ને હાથ મુકી પાર્સલ તૈયાર કર્યું. બાકીના સાકીરના શરીરના નાના ટુકડા કરેલા તે બ્લુ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં નાખી તેના બે પાર્સલ સફેદ પ્લાસ્ટીક (મીણીયા)ની કોથળીમાં નાખી દોરાથી જાતેથી સીવી તૈયાર કરેલા ત્યારબાદ તેમના બાથરૂમમાં નાહી –ધોઇને બીજા કપડા પહેરીને પ્રથમ સાકીરના બે મોબાઇલ ફોન સરસપુર એક કચરાની પેટીમાં નાખીને પરત ઘરે આવ્યો હતો.

રાત્રીના બારેક વાગ્યે આરોપી એક પાર્સલ જેમાં સાકીરનું માથું અને હાથના પંજા હતા તે પાર્સલ તથા સાકીરએ પહેરેલ કપડા જે લોહીવાળા હતા તે તથા આરોપીએ પહેરેલ કપડા એક પોટલું વાળી સાથે લઇ જઇ તેમના ઘર પાસેથી એક ઓટોરિક્ષા કરી રામોલ કેનાલ પાસે ગયેલ અને કેનાલમાં પાર્સલ  અને કપડા ફેંકી દીધેલા બાદ તે ઓટો રિક્ષામાં પરત ઘરે આવ્યો, ઘરે આવ્યા બાદ આરોપી તેમનું એકટીવા લઇ ઘરની બહાર ઓટોરિક્ષા શોધવા ગયો અને એક ઓટોરિક્ષા મળી જતા બીજા બે પાર્સલ તેમના ઘરેથી ઓટોરિક્ષા મુકાવી અસલાલી રિંગરોડ ઉપર ફેંકી આવ્યો હતો. પાર્સલ મુકીને તે ઘરે જઇને સુઇ ગયો વિગતે આરોપીએ હકીકત જણાવી જે અગાઉ ઓટોરિક્ષા વાળા ડ્રાઇવર યુસુફભાઇએ જણાવેલ તે જ પ્રકારની હકીકત છે.

આમ આરોપી મતલુબએ તેમના ધંધાના ભાગીદાર સાકીરનું ઠંડા કલજે હત્યા કરી નાના નાના ટુકડા કરી ચાર પાર્સલમાં પેક કરી સાકીરના કપડા તથા આરોપીના કપડા રામોલ કેનાલમાં તથા અસલાલી રીંગરોડ ઉપર બીનવારસી મુકી દઇ ખુન કરી પુરાવાનો નાશ કર્યાની કબુલાત કરી. તેમજ તે કબુલાત મુજબ ગુના સંબંધી પુરાવા મળેલ છે. જેથી આરોપી મોહંમદ મતલુબ મોહમંદફારૂક શેખ ઉ.વ-૩૭ રહે-ગોમતીપુર વાળાને અસલાલી પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.

આરોપીના જણાવ્યા મુજબ સાકીરના બે મોબાઇલ ફોન તથા સાકીરનું માથું તથા બે હાથના પંજા, અને આરોપીના કપડા તેમજ સાકીરના કપડા જે જગ્યાએ ફેંકી દીધા તે જગ્યા ઉપરથી રીકવર કરવાની કાર્યવાહી ચાલુ છે.

આરોપીની કબુલાતમાં સાકીરનું ખુન કરવાનું મુખ્ય કારણ એ છે. કે આરોપી અને સાકીર ધંધામાં પાર્ટનર હતા જેમાં આરોપીએ સાકીરને રૂપિયા 9 લાખ આપ્યા બાદમાં સાકીર ધંધામાં કોઇ હીસાબ આપતો ન હતો અને સંપુર્ણ ધંધો સાકીરે પોતાની પાસે લઇ લીધો જેથી બન્ને વચ્ચે ખટરાગ થયેલો તેમજ આરોપીને એક વ્યકિત દ્વારા જાણવા મળ્યું હતું કે સાકીરે આરોપીનું ખુન કરાવવા માટે કોઇને સોપારી આપી છે. તેમજ સોપારી અંગે સાકીર બીજા સાથે ફોનમાં વાત કરતો હતો. તે વાત આરોપી સાંભળી ગયો જેથી આરોપીએ નક્કી કરેલું કે સાકીરને તેના ઘરે લઇ જઇ ખુન કરી લાશના નાના-નાના ટુકડા કરી માથું અને હાથના પંજા અલગ જગ્યાએ તથા બાકીના અંગો બીજી જગ્યા ફેંકી દઇ કોઇને ખબર ના પડે તે રીતે હત્યાનું પ્લાનીંગ કરી હત્યાને અંજામ આપ્યો છે.