મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં ઠેર ઠેર ઉત્તરાયણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પતંગ-દોરીનાં બજારો ધમધમતાં જોવાં મળે છે. ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અમુક લોકો થોડા પૈસા વધારે કમાવવાની લાલચમાં ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ કરે છે. શાહપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કૉડે શુક્રવારે રાત્રે ૧૦:૧૫ કલાકે બાતમીના આધારે આવા બે વ્યાપારીઓની અટકાયત કરી અને ચાઈનીઝ દોરી સહીત રૂપિયા ૬૧,૬૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આગામી ઉત્તરાયણના તહેવાર અન્વયે અમદાવાદ શહેરમાં બહારથી ઘાતક ચાઈનીઝ દોરી લાવી ચોરી છુપીથી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશીષ ભાટિયા તથા અધિક પોલીસ કમિશનર અમિત વિશ્વકર્માએ આપેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-2 ધર્મેંદ્ર શર્મા અને પોલીસ કમિશનર એસ. કે. ત્રિવેદી “સી” ડિવિઝનના માર્ગદર્શન હેઠળ શાહપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર આર. કે. અમીન, સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇન્સ્પેક્ટર પી.જે. સોલંકીની સૂચનાના આધારે કોન્સ્ટેબલ યુનુસખાન તથા જીતેશકુમારની સંયુક્ત બાતમીના આધારે શાહપુર જે.પી. ચોક આગળથી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને પાસે મળીને બે બોક્ષમાં કુલ ૯૬ રોલ, બે મોબાઈલ ફોન, એક એક્ટિવા (GJ-01-MZ-1313) એક રિક્ષા (GJ-01-BY-7774) મળીને કુલ ૬૧,૬૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બંને આરોપી [૧] મોહમદ રફીક મોહમદમીયા શેખ (ઉ.વ. ૪૭, રહે. દરિયાપુર) [૨] મોહમદ ઈદ્રીશ મેહમુદભાઈ મન્સુરી (ઉ.વ. ૨૮, રહે. દરિયાપુર)ની અટકાયત કરી ઈ.પી.કો. કલમ ૧૮૮ તથા જી.પી. એક્ટની કલમ ૩૩ (૧) (યુ), ૧૧૩, ૧૧૭, ૧૩૧ મુજબ ગુનો નોંધ્યો હતો. અને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મેરા ન્યૂઝના વાચકોને અપીલ:

કોઈપણ તહેવાર આનંદ અને ઉલ્લાસ માટે ઉજવાતો હોય છે. એમાંય ઉત્તરાયણ એ ગુજરાતભરમાં રંગેચંગે હળીમળીને ઉજવાય છે. પરંતુ અબોલ પક્ષીઓને આપણી ઊજવણીથી કોઈ હાનિ ના પહોંચે. એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી જ છે. ચાઈનીઝ દોરી માત્ર પક્ષીઓને જ નહીં. આપણને પણ ઈજા પહોંચાડી શકે છે. તેનાથી હાથમાં થયેલી ઈજા અતિગંભીર હોય છે અને ગળાના ભાગે ઈજા થવાથી એ જીવલેણ પણ નીવડી શકે છે. આ દોરી વિજળીના તારના સંપર્કમાં આવતાં કરંટ પણ લાગી શકે છે.

ચાઈનીઝ દોરી પર કાયદાકીય રીતે પ્રતિબંધ મુકીને સરકારે એની જવાબદારી નિભાવી છે. પરંતુ આપણે પણ નૈતિક રીતે જવાબદાર નાગરિક બનીએ અને ચાઈનીઝ દોરીના ઉપયોગનો સ્વૈચ્છિક બહિષ્કાર કરીએ. ચાલો સૌ સાથે મળીને ઉત્તરાયણ ઉજવીએ.

“Safety First”

“Happy Uttaraayan”