મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ મામલામાં ડીપીએસ સ્કૂલ અને નિત્યાનંદ બાબાને કોઈ સંબંધ નથી તેવો દાવો કરનારી ડીપીએસ સ્કૂલ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે આકરું વલણ અખત્યાર કરયું છે. હાથિજણમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં પોલીસની જાણ બહાર નિત્યાનંદને આશ્રમની જગ્યા ફાળવી આપનાર ડીપીએસ સ્કૂલના પ્રિન્સીપાલ હિતેશ પુરીની ધરપકડ થઈ છે પરંતુ કાયદા પ્રમાણે જામીન લાયક ગુનો હોવાના કારણે તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે.

નિત્યાનંદ બાબાના ભક્ત ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફ બાબાને અમદાવાદ લઈ આવ્યા પછી પોતાની શાળાના જ કેમ્પસમાં તેમણે આશ્રમ માટે જગ્યા ફાળવી હતી. જોકે સિફત પૂર્વક મંજુલા શ્રોફે આશ્રમ અને ડીપીએસ વચ્ચે થયેલા દસ્તાવેજમાં પોતે ક્યાંય સહી કરી ન હતી. આશ્રમ અને શાળા વચ્ચેના દસ્તાવેજમાં ડીપીએસ ઈસ્ટ સ્કૂના પ્રિન્સીપાલ હિતેશ પુરીના નામે દસ્તાવેજ થયો હતો. જોકે આ મામલે નિયમ પ્રમાણે પોલીસને કોઈ જાણકારી અપાઈ ન હતી.

આ મામલે પોલીસે તપાસ કરતાં ડીપીએસ સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમને જમીન ભાડા પટે આપી હોવાનો કોઈ નોંધ સરકારી ચોપડે જોવા મળી ન હતી. પરંતુ પ્રિન્સીપાલ હિતેશ પુરી અને આશ્રમ વચ્ચેનો કરાર તેમની સામે રજૂ કરાયો હતો. જેના આધારે પોલીસે ભાડૂવાત અને મકાન માલીક કાયદાના ભંગ અનવયે ગુનો નોંધી હિતેશ પુરીની ધરપકડ કરી તેમને જામીન મુક્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંજુલા પુજા શ્રોફ કાયદાકીય રીતે જ્યાં પણ ફસાય તેમ હોય ત્યારે તે પોતાના કર્મચારીઓ પાસે કરાર અને દસ્તાવેજો કરાવે છે.