સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ) : પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે અને તે માટે તેઓને કેટલીક સત્તા આપવામાં આવી છે, પણ જ્યારે આ સત્તાનો દૂરુપયોગ પોલીસ દ્વારા થાય ત્યારે તેનું શું પરિણામ આવી શકે તે આજે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલાં મોહમ્મદ જુનેદખાન પઠાણની સ્થિતિ જોઈને કલ્પી શકાય. મહામારીના આ સમયમાં જાહેર જગ્યા પર માસ્ક પહેરવું ફરજિયાત છે. આ માટે પોલીસને દંડ વસૂલવાની જોગવાઈ પણ છે.

અમદાવાદમાં બનેલી એક ઘટનામાં મોહમ્મદ નામનો યુવાન જ્યારે પોતાની નોકરીથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે માસ્ક પહેર્યું ન્હોતું. પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ તેણે પોતાની એક્સેસ ન અટકાવી. ફરજ પરના પોલીસે મોહમ્મદને રોકવા માટે છૂટ્ટો ડંડો માર્યો. ડંડો સીધો યુવાન વયના મોહમ્મદને આંખની નીચે વાગ્યો અને ચાલુ ગાડીએ તેણે બેલેન્સ ગુમાવ્યું. કાબુ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને મોહમ્મદનું માથું ડિવાઈડર સાથે ભટકાયું. ગંભીર ઇજા થતાં આસપાસના લોકો તેને વી.એસ. હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટર ન હોવાથી સિવિલમાં મોહમ્મદને ખસેડવામાં આવ્યો છે. હાલ પણ તેની સ્થિતિ ગંભીર છે અને ડોક્ટરના સૂચન મુજબ માથામાં થયેલી ગંભીર ઇજા માટે પ્લેટ બેસાડવી પડે તેમ છે.

આ ઘટના સંદર્ભે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાના છે અને આ પૂરી ઘટનાની તપાસની માંગ કરશે. ફરજ પરના પોલીસ પાસે ડંડો માર્યા સિવાયના પણ અન્ય વિકલ્પો હતા, જેનાથી મોહમ્મદને માસ્ક ન પહેરવાની સજા આપી શકાત, પણ અફસોસ તેમ ન થયું.

આજે અમદાવાદમાં જાહેર સ્થાનો પર માસ્ક ન પહેરવા અને થૂંકવા પર 500 રૂપિયા દંડ અને જે ગલ્લા પરથી વસ્તુ લઈને થુક્યા હોય તે ગલ્લા વાળાને પણ 10 હજારનો દંડ કરવાનો નિર્ણય કરાયો છે.