પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના ગૃહવિભાગે રવિવારના રોજ ગુજરાતના ડેપ્યૂટી પોલીસ સુપ્રિટેન્ડેટની બદલીના આદેશ કર્યા. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે ડી પી ચુડાસમાની બદલી કરવામાં આવી છે. આ પોલીસ અધિકારી 2002માં ગાંધીનગરમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ઓપરેશન અક્ષરધામ વખતે તેમની છાતીમાં ત્રાસવાદીની ગોળી વાગી હતી. આમ ત્રાસવાદીઓ સામે બહાદુરી પૂર્વક લડનાર ડી પી ચુડાસમાને હવે અમદાવાદના ગુંડાઓને નશ્યિત કરવાની વિશેષ જવાબદારી તેમને આપવામાં આવી છે.

ઓપરેશન અક્ષરધામની શરૂઆત કાંઈક આ પ્રકારે થઈ હતી. તા. 24 સપ્ટેમ્બર 2002નો દિવસ હતો, સાંજના સાડા ચાર વાગ્યા હતા. ગાંધીનગરના ડેપ્યૂટી એસપી ગીરીશ સિંઘલ સેક્ટર 4માં પોતાના નિવાસ સ્થાને પોલીસ યુનિફોર્મ પહેરી ઓફીસ જવાની તૈયારીમાં જ હતા ત્યારે જ તેમના મોબાઈલ ફોન ઉપર અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ ડાભીનો ફોન આવ્યો. કોન્સ્ટેબલ ડાભીનો ફોન રિસિવ કરતાં જ કોન્સ્ટેબલ ડાભીના અવાજમાં એક અજીબોગરીબ ડર અને ઉચાટ હતો. ડાભીએ ડીવાયએસપી સિંઘલને જાણકારી આપી કે તેમનો દિકરો પોતાના મિત્રો સાથે ગાંધીનગર અક્ષરધામ ફરવા આવ્યો છે અને દિકરાએ ફોન કરી પોતાના પિતાને માહિતી આપી હતી કે અક્ષરધામમાં ગોળીબાર થઈ રહ્યા છે.


 

 

 

 

શાંત ગણાતા ગાંધીનગરમાં જ્યાં અક્ષરધામ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યાં ગોળીબારની ઘટના બને તો શું થઈ શકે તેના અંદાજ સાથે જ ડીવાયએસપી ગીરીશ સિંઘલ તુરંત ઘરની બહાર દોડ્યા અને પોતાના સરકારી વાહનમાં અક્ષરધામ જવા રવાના થયા. અક્ષરધામ આવતા સુધી તેમણે ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમને એલર્ટ કરી ફોર્સ અક્ષરધામ મોકલી આપવા આદેશ કર્યો. રસ્તામાંથી જ તેમણે સબ ઈન્સપેક્ટર ભરત પટેલને પણ અક્ષરધામ આવવા જણાવ્યું હતું.

ગીરીશ સિંઘલ અક્ષરધામ પહોંચ્યા ત્યારે દ્રશ્ય અને વાતાવરણ બંને ભયાનક હતા. હવામાં એક જુદા જ પ્રકારનો ડર હતો. અક્ષરધામમાં દાખલ થતાં જ તેમણે ત્યાં રહેલા એક સ્વામીને પુછ્યું તો જાણકારી મળી કે આશરે 20થી 25 વર્ષના બે યુવકો જેમની પીઠ પર બેગ લટકાવેલી હતી તેઓ મુખ્ય દરવાજેથી પ્રવેશ લેવાને મુખ્ય દરવાજાની બદલે ડાબી તરફની રેલીંગ કુદીને મંદિરમાં દાખલ થયા હતા. સલામતી રક્ષકોએ તેમને અટકાવી તેમની બેગ તપાસવાની સૂચના આપતા તેમણે અચાનક રક્ષકો પર ગોળીબાર શરૂ કર્યો અને ગોળીબાર કરતાં કરતાં તેઓ મુખ્ય મંદિર તરફ આગળ વધ્યા અને ત્યાં પણ તેમણે અનેક લોકોને ગોળી મારી છે.

સિંઘલે મંદિરનો માહોલ જોયો તો ચારે તરફ મૃતદેહો પડ્યા હતા અને અનેક લોકો ગોળી વાગ્યા પછી કણસી રહ્યા હતા. થોડી જ વારમાં સબ ઈન્સપેક્ટર ભરત પટેલ ત્યાં પહોંચ્યા ગીરીશ સિંઘલ અને ભરત પટેલે નિર્ણય કર્યો કે જ્યાં સુધી વધુ ફોર્સ આવે નહીં તે પહેલા આપણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીએ. તેમણે લોહીના ખાબોચિયામાં જે લોકો જીવીત પડ્યા હતા તેમને ઉચકીને બહાર લઈ જવાની શરૂઆત કરી, મંદિરમાં ઘૂસી આવેલા હથિયારબંધ યુવકો ગમે ત્યારે તેમની ઉપર પણ હુમલો કરી શકે તેવી સ્થિતિમાં હતા, પણ તે સમય પોતાનો વિચાર કરવાનો ન્હોતો.

ઘટનાની જાણકારી મળ્યા પછી ગાંધીનગરના ઈન્ચાર્જ એસપી આર બી બ્રહ્મભટ્ટ, સીનીયર આઈપીએસ વી વી રબારી, પોલીસ ઈન્સપેક્ટર વી આર ટોળીયા અને સબ ઈન્સપેક્ટર ડી પી ચુડાસમા મંદિરે દોડી આવ્યા હતા. મંદિરમાં ઘૂસી આવેલા યુવકો મંદિરમાં ક્યાં સંતાયા છે તેની હજુ કોઈને ખબર ન્હોતી.


 

 

 

 

પોલીસે બે ઓપરેશન એક સાથે કરવાના હતા. પ્રથમ મંદિરના પ્રદર્શન હોલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના હતા અને મંદિર પરિસરમાં છૂપાયેલા આતંકવાદીઓને શોધવાના હતા. આ વખતે જ મંદિરના એક સ્વામીએ પોલીસને જાણકારી આપી કે, પ્રદર્શન હોલની ઉપર આવેલી ઘૂમટીની પાછળ કોઈ બે વ્યક્તિઓ નમાજ પઢી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સાંજ થઈ ગઈ હતી. સૂર્ય આથમી રહ્યો હતો અને મંદિરમાં ઘૂસી આવેલા યુવકો નમાજ પઢી રહ્યા હતા. પોલીસે યુવકો સુધી પહોંચવા એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી, આઈપીએસ અધિકારી વી વી રબારી અને તેમની સાથે રહેલા હથિયારબંધ જવાનો બૂલેટપ્રૂફ જેકેટ અને આધૂનિક હથિયારો સાથે પ્રાઉલિંગ (જમીન પર છાતી સરસા સૂઈ ઘૂંટણ અને કોણી પર આગળ વધવું) કરતાં કરતાં આગળ વધવા લાગ્યા, પરંતુ અચાનક તેમની ઉપર બસ્ટ ફાયરિંગ થાય છે. આ ફાયરિંગમાં પોલીસ જવાન અલ્લા રખ્ખાના શરીરમાંથી ચાળણીની જેમ ગોળીઓ નીકળી જાય છે અને તે જ ક્ષણે વી વી રબારીની ટીમ પાછી પડે છે. 

બીજી યોજના તૈયાર થાય છે. સબ ઈન્સપેક્ટર વી આર ટોળીયા અને પીએસઆઈ ડી પી ચૂડાસમા ચેતક કમાન્ડો સાથે ત્રાસવાદીઓ સુધી પહોંચવાની યોજના બનાવે છે. ત્રાસવાદીઓને ઘેરવા માટે વી આર ટોળીયા અને ડી પી ચુડાસમા જ્યારે આગળ વધતા હતા ત્યારે તેમનાથી એક ચુક થાય છે તેમને અંદાજ રહેતો નથી કે તેઓ ત્રાસવાદીઓ પાસે રહેલા આધૂનિક હથિયારોની ફાયરિંગ રેન્જમાં છે અને અચાનક ત્રાસવાદી તેમની ઉપર ગોળીઓ વરસાવે છે. અચાનક ગોળીબાર શરૂ થતાં ટોળીયા સહિત ચેતક કમાન્ડો પાછા પડે છે પણ આ ગોળીબારમાં એક ગોળી સબ ઈન્સપેક્ટર ડી પી ચૂડાસમાની છાતીમાં વાગે છે અને ચૂડાસમા ત્યાં જ ફસડાઈ પડે છે. ગોળીબારના અવાજમાં ચૂડાસમાને ગોળી વાગી ગઈ છે તેની તેમના સાથે રહેલા અધિકારીઓને પણ ખબર પડતી નથી.

અચાનક ભાગદોડ શરૂ થાય છે ત્યારે ચેતક કમાન્ડો પૈકી એક જવાનનું ત્યાં લોહીમાં લથબથ પડેલા ચૂડાસમા તરફ ધ્યાન જાય છે. તે અચાનક બૂમ પાડે છે, કોઈ ઓફીસર કો ગોલી લગા હૈ. જોકે તેમની સાથે રહેલા અન્ય અધિકારીઓ સલામત સ્થળે પાછા ખસી ગયા હતા અને ચૂડાસમા એકલા ઘવાયેલી હાલતમાં મંદિર પરિસરમાં પડ્યા હતા. એક ટીમ તૈયાર થાય છે ફસડાઈ પડેલા ચૂડાસમાને ત્યાંથી ખસેડવા માટે. ચૂડાસમાને ત્યાંથી બહાર લાવી સારવાર માટે લઈ જવા જરૂરી હતા, પણ ચૂડાસમાને લેવા જનારી ટીમ ઉપર પણ હુમલો થવાની શક્યતા હતી. છતાં ગુજરાત પોલીસના જવાનો હિંમત કરે છે અને ચૂડાસમાને ત્યાંથી ઉચકીને બહાર લઈ આવે છે.

ડી પી ચૂડાસમાને ગંભીર હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવે છે, ઈશ્વરની કૃપાથી ઓપરેશન સફળ થાયછે અને ચૂડાસમા બચી જાય છે. છતાં આઠ મહિના જેટલો લાંબો ગાળો તેમને હોસ્પિટલમાં પસાર કરવો પડે છે. આ જ બહાદુર પોલીસ અધિકારી જેઓ ઓપરેશન અક્ષરધામનો હિસ્સો રહ્યા હતા તે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છે.