મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં કેટલાક કોન્સટેબલ અને હોમગાર્ડ દ્વારા લોકોને હેરાનગતી કરીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. અગાઉ પણ ટીઆરબી જવાનો સામે આવી ઘણી કમ્પલેઈન રહેતી હતી જોકે તે મામલે કાર્યવાહી કરતાં અત્યાર સુધીમાં 700થી વધુ ટીઆરબી જવાને નોકરી ગુમાવી છે ત્યારે ત્યારે આવા કર્મી સામે એસીબીએ લાલ આંખ કરી છે. માણેક ચોકની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કોન્સટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, એસીબીમાં એક ફરિયાદીએ ફરીયાદ નોંધાવી હતી.  ફરિયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેક ચોક પોલીસ ચોકીમાં સોંપેલી હતી તેમજ માણેક ચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણએ અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવ્યું હતું કે, આ અરજીની તપાસ કરવા માટે નાનો મોટો વ્યવહાર કરવો પડશે. ત્યારબાદ તા.૨૬.૧૧.૨૦૨૧ ના રોજ ફરિયાદી જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણને મળ્યો ત્યારે તેણે રૂ ૫૧૦૦/-  આપી જવાનું  જણાવ્યું હતું.

ફરિયાદી નાણાં આપવા માંગતો ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ લાંચના છટકુ ગોઠવ્યું હતું. છટકા દરમિયાન ફરિયાદી પાસેથી રૂ.૫૧૦૦/- ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં સ્વીકારી હતી.  5100ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરીયાદીએ આપતા એસીબીએ તેમને ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.