મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ઈન્ડિયન કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી અમદાવાદની કમર્શિયલ પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે રવિવારે સગાઈ કરશે. રાહુલ અને હેતાલીની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી કમ નથી. તેઓની પ્રથમ મુલાકાત ગયા વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. અને એ મુલાકાત પ્રેમમાં પરિણમી. રવિવારે તેઓ પશ્ચિમ અમદાવાદમાં આવેલી નામાંકિત હોટેલમાં સગાઈના બંધનમાં બંધાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ અને હેતાલીના પરિવારજનો તથા નજીકના મિત્રો અને સંબંધીઓ જ આ પ્રસંગે હાજર રહેશે.

રાહુલ ચૌધરી કે જેઓ કબડ્ડીમાં શૉ મેન અને રેડ મશિન તરીકે જાણીતા છે. જેઓ ઈન્ડિયન નેશનલ કબડ્ડી ટીમમાં 2016માં ગોલ્ડ મેડલ પણ મેળવી ચુક્યા છે. જ્યારે હેતાલી બ્રહ્મભટ્ટ કમર્શિયલ પાયલટ છે જે એક સફળ બિઝનેસમેનની પુત્રી છે.

આ પ્રસંગને ધ્યાનમાં રાખી રાહુલ કેટલાક બાળકો કે જેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને આગળ જવા માંગે છે તેમને જરૂરી નોલેજ આપી સગાઈના આ પળને યાદગાર બનાવશે. જો કે એ પછીથી પણ અન્ય એક સંસ્થા સાથે મળીને બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે જરૂરી નોલેજ આપશે.

આ અંગે હેતાલીએ કહ્યું હતું કે, મને નાનપણથી જ કબડ્ડી ગમે છે. હું સ્કૂલમાં હતી ત્યારે કબડ્ડી ટીમમાં ભાગ લેતી હતી. રાહુલ એક બેસ્ટ પ્લેયરની સાથે એક જવાબદાર વ્યક્તિ અને લવિંગ તેમજ કેરીંગ પર્સન છે. જે મેરેજ પછી પણ મારા કામ અને મારા પેશનને લઈને સપોર્ટીવ રહેશે.

રાહુલે જણાવ્યું કે, મારી સગાઈ એક ગુજરાતી સાથે થવા જઇ રહી છે એ પણ એની સાથે જે ગુજરાતી હોવાની સાથે એક પાયલટ પણ છે જેવી રીતે પાયલટ ની જવાબદારી મુસાફરોને સહી સલામત મંજિલ સુધી પહોંચાડવાની હોય છે આ જ જવાબદારી સાથે હું સફળ દામ્પત્યની મંજિલ હેતાલી સાથે પાર કરવા માંગુ છું.