સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ, અમદાવાદ): અત્યારનો કાળ કેટલો કટોકટીભર્યો છે એ દરેક વ્યક્તિ સમજી શકે છે. સામાન્ય નોકરી કરનારો વર્ગ તેનો જીવનક્રમ જળવાઈ રહે તે માટે જદ્દોજહદ કરી રહ્યો છે. આ સ્થિતિમાં કાગડાપીઠ પોલીસ લાઈનના 50 પરીવારને નોટીસ આપવામાં આવી છે કે તેઓએ એક અઠવાડિયામાં ઘર ખાલી કરી દેવા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ. સિંઘ દ્વારા રવિવારના રોજ એવી નોટીસ આપવામાં આવી હતી કે એક અઠવાડિયામાં તમામ પોલીસકર્મીઓએ પોતાના ઘર ખાલી કરી દેવા.

જો તેમ નહીં થાય તો તેમના વીજળી અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવશે. અમાનવતાભર્યા આ વલણથી પોલીસકર્મીઓ અને તેમના પરીવાર સ્તબ્ધ થઈ ગયા હતા અને છેવટે તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો, આમાં મહદંશે પોલીસકર્મીઓના પરીવારની મહિલાઓ જોડાઈ હતી. તેઓ પોતાની માંગણી સાથે કમિશ્નર કચેરી ગયા હતા પરંતુ ત્યાં તેમની રજૂઆત સાંભળવામાં ન આવી અને તેઓએ લાંબા સમય સુધી રાહ જોવી પડી. હાલની સ્થિતિમાં જે ચાલી રહ્યું છે તે ચલાવવામાં વેપારી-ઉદ્યોગપતિઓ પણ માની રહ્યા છે, ત્યારે સરકારનો એક વિભાગ આ રીતનું વલણ અપનાવી તત્કાલ તેના કર્મીઓને ઘર ખાલી કરવાનો હૂકમ કરે તે કેટલું યોગ્ય છે.