મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રાઈવેટ (ખાનગી) કંપનીઓ, વ્યક્તિઓ પર નિર્ભરતા વધવા લાગી છે, જોકે તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે ઘણા સ્થાનો પર સરકારી તંત્રની કામગીરીમાં નિરરસતા. સરકારે લોકોની સુખાકારી વધે તે માટે ખાનગી કોન્ટ્રાક્ટ્સ આપવાના શરૂ કર્યા પરંતુ આ સુવિધાનો ઘણાઓ દુરુપયોગ પણ કરતાં હોય છે. અમદાવાદ સ્થિત ઓફીસ લિક્વીડેટર ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના એક પૂર્વ અધિકારીએ આણંદની એક ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એજન્સી સાથે મળી આવું જ કાંઈક કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એજન્સી સરકારી જાહેરાતોનું કામ સમસ્ત ગુજરાત માટે કરે છે. આ કંપનીના માલિકો પિતા પુત્ર ટી વી સિંગ (તેજવીરસિંગ મેવાસિંગ ચૌધરી) અને જયદીપસિંગ ચૌધરી છે. આ બંને અગાઉ મોર્ડન સેફ ગાર્ડ અને કેટ આઈ સિક્યૂરિટી નામે ઓફિસ લિક્વીડેટરની પ્રોપર્ટીઝમાં સિક્યૂરિટીની કામગીરી કરતાં હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ પૂર્વ અધિકારીના તેમના પર ચાર હાથ હતા. તે સમયે આ પિતા પુત્ર પર કેસ થયો હતો (કેસ નં. 253 ઓફ 2004 જેનો નવો નં છે, 39465/2004). જે કેસમાં તેઓએ જેલના સળિયા પણ ગણી નાખ્યા હતા.
આ કારણે તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા હતા. ખરો ખેલ આ પછી શરૂ થયો. એ પૂર્વ અધિકારીના ચાર હાથ હોવાને કારણે આ બંને પિતા-પુત્રએ ફરી સરકારના ખભે બેસવાના પગલા માંડ્યા અને ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એજન્સી નામે નવી કંપની બનાવી ઓફિસ લિક્વીડેટરની જાહેરાતોના ફરી કામો કરવા લાગ્યા. જોકે તેમને એક વાર બ્લેક લિસ્ટ થયા પછી આ રીતે કામ કરવાનું કેવી રીતે શક્ય બનાવ્યું તે તો તેઓ અને તેમના આકા જ જાણે છે. એટલું જ નહીં આ અધિકારી જ્યાં જ્યાં પણ કામગીરી સંભાળતા થયા ત્યાં આ પિતા-પુત્રને કામ પણ આપતા ગયા. આ સંદર્ભમાં જ્યારે તેમને ફોન પર પુછવામાં આવ્યું ત્યારે તેજવીર સિંગે કહ્યું કે, હા અમે ગ્લોબલ એડવર્ટાઈઝિંગ એજન્સી થકી કામ કરીએ છીએ. જ્યારે મોર્ડન સિક્યૂરિટી અને કેટ આઈ બંને અમારી જ હતી પરંતુ હાલ તે બંધ છે.
 
 
 
 
 
તેજવીર સિંગના પુત્ર અને આ એજન્સીની કામગીરી સંભાળતા જયદીપસિંગ ચૌધરીએ કહ્યું કે, અમારે જે પણ કાંઈ કામગીરી હોય તે અંગે તમારે શું લેવા દેવા, તમારે શું લેવડ-દેવડ છે. તમે આ અંગે કેમ પુછપરછ કરી રહ્યા છો. તેમ કહી મોટાભાગે સવાલોથી ભાગવાનું પસંદ કર્યું હતું.
આ અંગે તે પૂર્વ અધિકારીનો પણ સંપર્ક કરી વિગતોની ચકાસણી કરવાનો પ્રાયત્ન કર્યો પરંતુ તેઓએ પણ ફોનનો જવાબ ના આપી સવાલોથી પીછો છોડવાનું મુનાસિબ માન્યું હતું. આ સંજોગોમાં તેજવીરસિંગના ભાઈ અને અગાઉ તેમની સાથે ભાગીદારીમાં ધંધો કરી ચુકેલા બી એમ સિંગ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આ અધિકારીએ આ બંને પિતા પુત્રને ઘણો ટેકો કર્યો છે. આ અધિકારી જ્યાં જ્યાં પણ ગયા તેમણે આ બંનેને કામ આપ્યું છે. અધિકારીએ અગાઉ અલ્હાબાદ, ઈન્દૌર સહિત જ્યાં જ્યાં પણ પોતે ડ્યૂટી કરી ત્યાં આ બંને પિતા પુત્ર માટે કામ ઊભા કર્યા. બંને અગાઉ છ મહિના જેલમાં પણ રહી ચુક્યા છે અને બ્લેકલીસ્ટ પણ થઈ ચુક્યા છે. છતાં અધિકારીના ખાસ છે. જોકે તેમણે ગ્લોબલ એડવર્ટાઈઝિંગ દ્વારા જાહેરાતોનું કામ ફરી કેવી રીતે ચાલું કર્યું તેના અંગે મને વધુ કોઈ માહિતી નથી પરંતુ આ વ્યક્તિ મારો મોટો ભાઈ થાય છે પરંતુ તે ભાઈ હોવા છતાં ભાગીદારીમાં મારી સાથે પણ અગાઉ દગો કરી ચુકેલા છે.
આ અંગે ઓફિસ લિક્વીડેટરની કચેરી ખાતે જ્યારે માહિતી માગવામાં આવી ત્યારે તેમણે સ્વિકાર કર્યો કે મોર્ડન સેફ ગાર્ડ સિક્યૂરિટી અને કેટ આઈ સિક્યૂરિટી સાથે હવે તેઓ કામ કરતાં નથી, કારણ કે તેઓને અગાઉના ક્રિમિનલ કેસને કારણે બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે. જોકે જ્યારે તમને પુછાયું કે જો એક વાર બ્લેકલીસ્ટ કરવામાં આવેલા છે તો તેઓ ફરી નવા રંગરુપ ધારણ કરી કંપનીનું નામ બદલી ફરીથી ઓફિસ લિક્વીડેટર માટે કેવી રીતે કામ કરી શકે? શું આવી કોઈ પ્રોસીઝર છે? તો તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આ અંગેનો કોઈ જ ખ્યાલ નથી કે તેઓ બ્લેકલીસ્ટ થયા પછી પણ કેવી રીતે હજુ પણ કામગીરી કરી રહ્યા છે. જોકે આ અંગે હજુ પણ વધુ ગંભીર ખુલાસાઓ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે.
ગ્લોબલ નેટવર્ક એડવર્ટાઇઝિંગ અને તેના ડાયરેક્ટર્સ ગવર્નમેન્ટ ઓફિસ લિક્વિડેટરમાં એમ્પેનલ્ડ એજન્સી તરીકે છે. ગ્લોબલ નેટવર્ક એડવર્ટાઇઝિંગ કંપની જુદી-જુદી કામગીરીઓ માટે અમદાવાદ ઓફિસ લિક્વિડેટર માટે ટેન્ડર્સ બહાર પાડે છે. આ કંપની એમ્પેનલ્ડમાં હોવાનો લાભ લઇ બહાર પાડેલા ટેન્ડર માટે બેનામી વ્યક્તિઓ ઉભા કરીને આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઇ ગેરલાભ લઇ રહ્યા હોવાની વિગતો મળી રહી છે અને જાણવા મળ્યા મુજબ આવી સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયા કરવા માટે તેમના મુખ્ય બેનામી વ્યક્તિ તરીકે રાહુલ ભારદ્વાજ નામના શખ્શનો ઉપયોગ કરી રહ્યા છે.