મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નિત્યાનંદ બાબા એન્ડ મંડળી સામે નોંધાયેલી ફરિયાદ બાદ બાળકોને ગેરકાયદે ગોંધી રાખવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં 83 પાનાનું ચાર્જશીટ રજુ કર્યુ છે જેમાં પાખંડી બાબા નિત્યાનંદ વોન્ટેડ હોવાનું બ્લ્યુ કોર્નર નોટીસ ઈસ્ચુ થઈ હોવાની જાણકારી પોલીસે કોર્ટને આપી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ સામે જર્નાદન શર્માએ આપેલી ફરિયાદ બાદ નિત્યાનંદ આશ્રમ દ્વારા ગેરકાયદે ગોંધી રાખવામાં આવેલા તેમના બે બાળકોને મુકત કરાવી આ મામલે ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસ નિત્યાનંદ બાબાની બે સાધવી પ્રાણપ્રિય અને  પ્રિયતત્વાની ધરપકડ કરી હતી જેઓ હાલમાં સાબરમતી જેલમાં છે, જયારે આ મામલે નિત્યાનંદ બાબાને શોધવા માટે પોલીસ દક્ષિણ ભારતમાં આવેલા બાબાના આશ્રમ સહિત અનેક સ્થળે દરોડા પાડયા પણ બાબા દેશ છોડી નિકળી ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસના 60 દિવસ પુરા થતાં હોવાને કારણે કોર્ટ સામે ચાર્જશીટ રજુ કર્યુ હતું જેમાં બંન્ને સાધવીઓ અને નિત્યાનંદ બાબાને આરોપી દર્શાવવામાં આવ્યા છે જો કે બાબા ફરાર હોવાને કારણે તેઓ વોન્ટેડ હોવાનું કોર્ટને જણાવ્યુ છે પોલીસે પોતાની ચાર્જશીટમાં પચાસ સાક્ષીઓને પણ સામેલ કર્યા છે જેમાં તેમણે આશ્રમમાં ચાલતા ગોરખધંધાઓને અનુમોદન આપ્યુ છે,

બીજી તરફ ડીપીએસ સ્કુલના પ્રશ્ને અલગ ફરિયાદ નોંધાઈ છે જેેમાં સેન્ટ્રલ બોર્ડની માન્યતા મેળવવા માટે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુવા દ્વારા ગુજરાત સરકારની ખોટી એનઓસી રજુ કરવામાં આવી હતી, આ મામલે પોલીસ ફરિયાજ નોંધાયા પછી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જો કે હાલમાં તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. હાઈકોર્ટ દ્વારા તેમની ધરપકડ સામે વચગાળાની રાહત આપી છે, પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ  દ્વારા હાઈકોર્ટને પોતાની તપાસમાં આવેલા તથ્યોનો રીપોર્ટ હાઈકોર્ટને મોકલી આપ્યો છે જેમાં  ભારત સરકાર સામે ખોટી અને બનાવટી એનઓસી કોણે બનાવી કેવી રીતે બનાવી અને કયાં બનાવી તે માટે તમામ આરોપીઓની પોલીસ કસ્ટડીની જરૂર હોવાના પુરાવા હાઈકોર્ટને આપ્યા છે જો કે આ દરમિયાન આ તમામ આરોપીઓ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પોતાના નિવેદન નોંધે તેવા પ્રયાસ તમામ સ્તરે કરી રહ્યા છે પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કસ્ટડી વગર તેમના નિવેદન નોંધવા માંગતી નથી, આવનાર સમય આ અંગે હજી ઘણા રહસ્યોનો ઘટસ્ફોટ થવાના આશાર મળી રહયા છે.