મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં ગત વર્ષે દિવાળી બાદ બીજી લહેરનો રાફડો ચારે બાજુ ફાટી નીકળ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ પરિસ્થિતી ખૂબ ગંભીર બની ગઈ હતી. મોટા ભાગની હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગતી હતી. જેથી હોસ્પિટલ દ્વારા પરિસ્થિતીને પહોંચી વળવા માટે મોટા પાયે નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને કોન્ટ્રાક્ટ બેઝ પર લેવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે 700 જેટલા નર્સિંગ સ્ટાફને છૂટા કરવાની નોટિસ આપતા નર્સિંગ સ્ટાફે હોસ્પિટલ સામે બાથ ભીડી છે.

Advertisement


 

 

 

 

 

ગુજરાતમાં આ વર્ષે પણ ગત વર્ષની જેમ દિવાળી જેવા તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે. તેવામાં અમદાવાદની એસવીપી હોસ્પિટલ દ્વારા હાલ સ્ટાફની જરૂરિયાત ન હોવાને કારણે સ્ટાફને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ હોસ્પિટલનો આ નર્સિંગ સ્ટાફ હાલ હડતાળ પર ઉતાર્યો છે.

ત્યારે સમગ્ર બાબતે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા ચીમકી ઉચરવામાં આવી છે કે સ્ટાફને પાછો લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારો બાદ ફરી એકવાર કેસ સામે આવી રહ્યા છે. જો ફરીથી પહેલા જેટલા કેસ આવી જશે તો? આ પ્રશ્ન અંગે તંત્રએ વિચારવા જેવું રહ્યું...