પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 2 નવેમ્બર 20 એ એક મહિલા અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં આવે છે અને પોલીસને કહે છે કે તેની સાથે બે વ્યકિતઓએ સામુહીક રેપ કર્યો છે. સામુહીક બળાત્કાર શબ્દ સાંભળતા ફરજ ઉપરના પોલીસ અધિકારી ખુરશીમાંથી ઉભા થઈ જાય છે અને મહિલા સાથે જે બન્યુ તેની જાણકારી મેળવી મહિલા પોલીસ સાથે પીડીત મહિલાને રેપ થયો તે વિસ્તાર ગોમતીપુરમાં મોકલે છે. સ્થળ ઉપર ગયેલી પોલીસ જુએ છે તો, જયાં બળાત્કાર થયો તે રૂમના એક પલંગ ઉપર પીડીતાની કાચની તૂટેલી બંગડીઓ અને ફેદાયેલી ચાદર નજરે પડે છે, પીડીતા સાથે ગયેલી પોલીસની નજર સામેનું દ્રશ્ય જોઈ તરત ખ્યાલ આવે છે કે પીડીતાની ફરિયાદ સાચી છે. મહિલા પોલીસ સ્ટેશન સામુહીક રેપ ની ફરિયાદ નોંધે છે અને આરોપી રાજકુમાર બુદરાણી અને સુશીલ બજાજની ધરપકડ કરે છે.
મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી ઘટના સ્થળે ફૉરેન્સીક અધિકારીઓને બોલાવે છે, અને ફૉરેન્સીક અધિકારીઓ ઘટના સ્થળેથી ચાદર ઉપર રહેલા વીર્યના નમૂના પણ શોધી કાઢે છે. આમ પીડીતાની ફરિયાદના સમર્થનમાં પોલીસને વધુ પુરાવાઓ પણ મળે છે, યુવતીની ફરિયાદ પ્રમાણે તે ગોમતીપુર વિસ્તારમાં આવેલી એક દુકાન જેના માલિક નીરજ ગુપ્તા છે તેમની દુકાનમાં નોકરી કરે છે, નીરજ ગુપ્તા જયારે બહાર ગયા હતા ત્યારે નીરજ ગુપ્તાને મળવા માટે અગાઉ આવી ચુકેલા રાજકુમાર બુદરાણી અને સુશીલ બજાજ આવે છે, નીરજ ગુપ્તા નથી તેવી ખબર પડતા બંન્ને આરોપીઓ યુવતીને ખેંચી દુકાનની પાછળ આવેલી રૂમમાં લઈ જાય છે અને જયાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ કાગળની કાર્યવાહી પુર્ણ કરી બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
Advertisement
 
 
 
 
 
આખી ઘટના ધૃણાસ્પદ છે, આ પ્રકારનું કૃત્ય કરનારને કયારેય માફ કરી શકાય નહીં, જેલમાં ગયેલા આરોપી રાજકુમાર અને સુશીલ 35 દિવસ સુધી જેલમાં રહે છે અને ત્યાર બાદ કોર્ટ તેમને જામીન આપે છે. પોતાની સામે થયેલી બળાત્કારની ફરિયાદને કારણે રાજકુમાર અને સુશીલ બહુ વ્યથીત હતા, જામીન ઉપર છુટયા પછી તેઓ પોલીસ કમિશનર ઓફિસ પહોંચે છે અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામે પોતાનો પક્ષ મુકે છે, પોલીસ કમિશનર સામે રોજ વિવિધ પ્રકારની રજુઆત કરનાર નાગરિકો આવે છે, પરંતુ આવુ પહેલી વખત થયું હતું કે બળાત્કાર કેસમાં પકડાયેલા આરોપીઓ કમિશનર પાસે આવ્યા હતા. જો કે એક સિનિયર પોલીસ અધિકારી તરીકે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રાજકુમાર અને સુશીલની વાત સાંભળી ઘણુ બધુ સમજી જાય છે, પરંતુ ઘટના ગંભીર હતી આથી આ મામલે તપાસ કર્યા વગર કોઈ નીષ્કર્ષ ઉપર પહોંચવાનું મુશ્કેલ હતું.
કમિશનર સંજય શ્રીવાસ્તવ આ મામલે ક્રાઈમ જેસીપી અમિત વિશ્વકર્માને તપાસ કરવાનો આદેશ આપે છે, બળાત્કાર કેસની તપાસ મહિલા પોલીસ સ્ટેશન કરી રહ્યુ હતું. તેમની પાસે બધા કાગળો મંગાવી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડને કેસ સોંપવામાં આવે છે. ઈન્સપેકટર બારડ રાજકુમાર અને સુશીલને બોલાવી ફરી વખત તેમની ઉલટ તપાસ કરે છે પીઆઈ બારડ સામે કેટલાક નવા તથ્યો આવે છે, છતાં આ આરોપીનું નિવેદન હતું, ક્રાઈમ બ્રાન્ચ આખી ઘટનાની પહેલાથી તપાસ શરૂ કરે છે, પીડીતાને મળી ફરી નિવેદન નોંધવામાં આવે છે, પીડીત યુવતી આન્ધ્ર પ્રદેશની વતની છે, પોતાના પતિ અને બાળક સાથે કામ શોધવા અમદાવાદ આવી હતી અને શહેર કોટડામાં મકાન ભાડે રાખી રહેતી હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચને આશ્ચર્ય એટલા માટે થયુ કે તા 20 ઓકટોબરના રોજ આ યુવતી અમદાવાદ આવે છે અને 2 નવેમ્બરના રોજ તેની ઉપર બળાત્કાર થાય છે.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બારડની એક ટીમ શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચે છે અને પીડીત યુવતીની ભાડે રહેનારની યાદીમાં સમાવેશ થાય છે કે નહીં તેની ખરાઈ કરે છે, પણ યુવતીની વાત સાચી નિકળી તેણે ભાડે મકાન લીધા બાદ મકાન માલિક તેની પોલીસમાં નોંધણી કરાવે છે અને નોંધણીના ફોર્મ ઉપર સાક્ષી તરીકે ઈરફાન અંસારી સહી કરે છે, આમ ઈન્વેસ્ટીગેશમમાં પોલીસ સામે અંસારીનું નામ પહેલી વખત સામે આવે છે, પોલીસે અંસારી કોણ છે તેવું આરોપી રાજકુમારને પુછતાં તે ચૌંકી જાય છે, કારણ એક વર્ષ પહેલા ઈરફાન અંસારી અને અજય કોડનાનીએ તેમની સાથે છંતરપીડી કરી હતી. જે અંગે તેમણે પોલીસ કેસ કરતા અંસારી અને કોડનાની જેલમાં પણ ગયા હતા. આમ બારડને પહેલી કડી મળે છે કે બળાત્કારના આરોપી રાજકુમાર અને સુશીલને જોડતી કડી હતી. અંસારી આથી ક્રાઈમ બ્રાન્ચે અંસારી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ અને અંસારીને બોલાવી તેની પુછપરછ શરૂ કરી.
Advertisement
 
 
 
 
 
બળાત્કાર કેસમાં વૈજ્ઞાનિક પુરાવાઓ બહુ અગત્યના હોય છે, મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓના હાજરીમાં ફોરેનસીક અધિકારીએ ચાદર ઉપરથી વીર્યના નમૂના લીધા હતા, પરંતુ એફએસએલ રિપોર્ટ આવ્યો ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પણ ચૌંકી ગઈ કારણ ફોરેનસીક રિપોર્ટ પ્રમાણે ચાદર ઉપર મળેવા વીર્યના નમૂના આરોપી રાજકુમાર અને સુશીલના ડીએનએ સાથે મેચ થતાં ન્હોતા, આમ રાજકુમાર અને સુશીલ નિર્દોષ હોવાનો વધુ એક પુરાવો મળ્યો હતો. પોલીસને અંદાજ આવી ગયો કે રમત બહુ મોટી છે પરંતુ હજી પુરી રમત પોલીસને સમજાઈ ન્હોતી, પીડીત યુવતી જયાં નોકરી કરતી હતી તે દુકાનના માલિક નીરજ ગુપ્તાને બોલાવી પુછપરછ કરતા નીરજ ખુબ ડરેલો લાગી રહ્યો હતો, પણ તેણે ગોમતીપુરમાં કેવી રીતે દુકાન ભાડે લીધી તેવી પુછપરછમાં દુકાનના માલિક મહંમદ ઈબ્રાહીમનું નામ સામે આવ્યુ હતું, પોલીસે મહંમદને બોલાવી પુછપરછ કરતા તેમણે ઈરફાન અંસારીના કહેવાથી દુકાન નીરજને ભાડે આપી હોવાનું તેણે કહ્યુ આમ બીજી વખત પોલીસ સામે ઈરફાન અંસારીનું નામ સામે આવતા પોલીસની શંકા પાક્કી થઈ કે ખરો ખેલાડી ઈરફાન અંસારી જ છે.
ઈન્સપેકટર દર્શનસિંહ બારડ સામે ચિત્ર હવે સ્પષ્ટ થવા લાગ્યું હતું. તેમણે ઈરફાન અને પીડીત યુવતીની સાથે પુછપરછ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ પીડીત યુવતી પોલીસના પ્રશ્નનો સામનો વધુ સમય કરી શકી નહીં, તેણે આખી ઘટનાનો ઘટસ્ફોટ કરી નાખ્યો, યુવતીના નિવેદન પ્રમાણે તેનો સંપર્ક ફઝલુરહેમાને કર્યો હતો. આન્ધ્ર પ્રદેશની ગરીબ યુવતીને પૈસાની જરૂર હતી. આથી ફઝલુરહેમાને તેને એક લાખ રૂપિયા આપવાની વાત કરી બળાત્કારની ખોટી ફરિયાદ કરવાની છે તેમ કહ્યુ યુવતી એક લાખ માટે પોતાના પતિ અને બાળકો સાથે અમદાવાદ આવે છે આ યુવતી માટે ખુદ ઈરફાન શહેર કોટડા વિસ્તારમાં એક મકાન ભાડે રાખે છે. આમ બળાત્કારની ફરિયાદ ખોટી છે તે સ્પષ્ટ થયુ પરંતુ રાજકુમાર અને સુશીલ નીરજ ગુપ્તાની દુકાને ગયા કેમ તેની તપાસમાં બહાર આવ્યુ કે ઈરફાન અને નીરજ મિત્રો હતા, બળાત્કારની ખોટી ફરિયાદ માટે નીરજ ગુપ્તા દુકાન ભાડે લઈ કાપડનો હોલસેલ વેપાર કરે છે તેવો ડોળ ઉભો કરે છે, ત્યાર બાદ ઈરફાન આ દુકાન ઉપર અગાઉના કેસમાં સમાધાન કરવાના બહાને રાજકુમાર અને સુશીલને બે ત્રણ વખત દુકાને બોલાવે છે.
Advertisement
 
 
 
 
 
ઈરફાનનું મગજ કોઈ હાર્ડકોર ક્રીમીનલની જેમ ચાલતુ હતું. ઈરફાન જાણતો હતો કે માત્ર બળાત્કારની ખોટી ફરિયાદ કરવાથી ચાલશે નહીં પોલીસ વૈજ્ઞાનિક પુરાવા પણ શોધશે તેથી તેના મામાના દિકરાના પરિચીત અબ્દુલઅરબાઝ અને મહોમ્મદ ઉમંરને પાંચસો રૂપિયા આપી તેમની વીર્ય એક ડબ્બીમાં મેળવે છે. બજારમાંથી કાચની બંગડીઓ લઈ આવે છે તા 1 નવેમ્બરના રોજ ઈરફાન ફરી રાજકુમાર અને સુશીલને બોલાવી સમાધાનની ચર્ચા કરે છે, લગભગ સત્તર-અઢાર મિનીટ ચર્ચા કરી રાજકુમાર અને સુશીલ ત્યાંથી નિકળે છે એટલે ઈરફાન પોતાની પાસે રહેલી બંગડી અને વીર્યની ડબ્બી નીરજ ગુપ્તાને આપે છે, નીરજ દુકાનની પાછળની રૂમમાં જઈ બંગડીઓ તોડી વિખેરી નાખે છે અને વીર્યની ડબ્બીમાંથી વીર્ય કાઢી ચાદર ઉપર ઢોળી નાખે છે, બીજા દિવસે ઈરફાન યુવતીને નીરજ ગુપ્તા સાથે મહિલા પોલીસ સ્ટેશન મોકલી બળાત્કારની ફરિયાદ નોંધાવે છે. આમ આખો પ્લોટ એટલો મજબુત હતો કે કોર્ટમાં કેસ ચાલી જતો રાજકુમાર અને સુશીલ આખી જીંદગી જેલમાં સડતા પરંતુ ઈન્સપેકટર બારડે બે જીંદગીઓને બરબાદ થતી બચાવી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઈરફાન અંસારી, અજય કોડનાની, નીરજ ગુપ્તા, ફઝલુરહેમાન અને યુવતીને આરોપી બનાવી તેમની ધરપકડ કરી હતી. ઈન્સપેકટર દર્શનસિંહ બારડના ઉત્તમ ઈન્વેસ્ટીગેશન માટે ભારત સરકારે તેમની પ્રસંશા કરી તેમની સન્માનીત કરવાનો નિર્ણય કર્યો છે.