મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ પુરુષના નવાબી શોખના કારણે તેની પત્નીએ કંટાળીને અભયમ ટીમની મદદ લેવાનો વારો આવ્યો હતો. આખું જીવન ખૂબ જ સભ્ય વ્યક્તિની જેમ જીવ્યા બાદ બુઢાપામાં 80 વર્ષના વૃદ્ધ પુરુષને જવાનીનો જોશ લાગ્યો હતો. અભયમની ટીમ પણ વૃદ્ધ પત્નીની વાત સાંભળીને ચોંકી ઉઠી હતી. આ બનાવ અમદાવાદના પોશ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

અત્યારના યુવાનો પોતાનું સ્ટેટ્સ ઊંચું બતાવવા માટે નશાના રવાડે ચડી જતાં હોય છે. ત્યારે શહેરના સાધન સંપન્ન ધનાઢ્ય પરિવારના વૃદ્ધ મોટી ઉંમરે અવળી લાઈને ચડી ગયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ વૃદ્ધ નશાના રવાડે ચડી ગયા હતા.શરૂઆતમાં તે સ્ત્રીઓને ઘરે બોલાવતા ત્યારે તેમની પત્ની પૂછે તો તેઓ ઘરકામ માટે સ્ત્રીને બોલાવે છે તેમ કહીને વાત ટાળતા હતા. જો કે રોજેરોજ અલગ અલગ સ્ત્રી ઘરે આવતી જતી હોવાથી  કંટાળેલી વૃદ્ધ પત્નીએ હેલ્પલાઈનની મદદ માંગી હતી.

Advertisement


 

 

 

 

 

જેથી તેની પત્નીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવ્યુ હતું કે  હું સાધન સંપન્ન પરિવાર ધરાવું છું, મારે અને પતિ વચ્ચે સારો મનમેળ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારા પતિને નશાની ટેવની સાથોસાથ તેઓ બહારથી અલગ અલગ સ્ત્રીને ઘરે બોલાવે છે. આ બાબતે હું વિરોધ કરું તો મારી સાથે ઝઘડો કરે છે. વૃદ્ધાની વાત સાંભળી અભયમની ટીમે ચોંકી જઇને વૃદ્ધાના ઘરે પહોંચી હતી. અભયમની ટીમે વૃદ્ધને સમજાવ્યા કે તમે સમાજમાં આબરૂ ધરાવતા પરિવારના છો યુવાનીના જોશમાં કોઈ આવું કરે તો સમજી શકાય પરંતુ જીવનના આ પડાવ પર નશો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, બીજું અન્ય મહિલાને ઘેર બોલાવવાથી સમાજમાં પરિવારની આબરૂ જવાનો ભય છે. અભયમની ટીમે વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી ઢળતી ઉંમરે આવા વર્તનથી સમાજ-પરિવાર પર પડતી અસર અંગે સમજ આપતા વૃદ્ધે ભૂલ સ્વીકારી હતી.