મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દિવાળી જેવા તહેવારો નજીક આવતા હવે સોના-ચાંદીના વેપારમાં ધૂમ મચી રહી છે. તેવામાં લૂંટારોઓ નજર સોના-ચાંદીના વેપારીઓ પર પડી રહી છે. એક દિવસ અગાઉ પણ વડોદરાના સોના-ચાંદીના વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદનો વેપારી લૂંટયો છે. જો કે આ વેપારીને લૂંટનાર બીજું કોઈ પણ પોતાના જ દુકાનનો નોકર હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં રહેતા મુકેશ ઘાંચી શહેરનું સોના ચાંદીનું હબ ગણાતું માણેક ચોકમાં એમ.એચ.જ્વેલર નામની દુકાનથી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓ સોના ચાંદીના અલગ અલગ ડિઝાઇન બનાવીને અમદાવાદની અન્ય દુકાનોમાં વહેંચે છે. તેમની દુકાનમાં બે મહિના પહેલા તેમના સબંધી ગણેશ ઘાંચીના સંપર્ક દ્વારા આનંદ રાજપુતને પોતાની દુકાનમાં નવ હજારના પગાર પર રાખ્યો હતો.


 

 

 

 

 

ગઈકાલે મુકેશ અને તેનો નોકર સોના ચાંદીના ઘરેણાંના લઈને શહેરની અન્ય દુકાનોમાં બતાવવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા. એક બેગ એક્ટિવાની ડિકીમાં અને એક બેગ એક્ટિવાની આગળની સાઈડ રાખી હતી. અને મુકેશ પાછળ બેઠો હતો અને તેનો નોકર એક્ટિવા ચલાવતો હતો. બે ત્રણ દુકાને ગયા બાદ નરોડા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુકેશને પેશાબ લગતા કૃષ્ણનગર આદીશ્વર કેનાલ નજીક એક્ટિવા ઊભી રાખી હતી. મુકેશ જેવો પેશાબ કરવા નીચે ઉતાર્યો એટલામાં નોકર એક્ટિવા લઈને રફ્ફુચક્કર થઈ ગયો હતો. જો કે મુકેશએ રાહદારીની મદદ લઈને તેનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો નોકર મળી આવ્યો ન હતો. ત્યાર બાદ તેના નોકર અને તેને નોકરી રખાવનાર ગણેશને ફોન કરતાં બંનેના ફોન બંધ આવતા હતા. જેથી બંનેના ઘરે જઈને તપાસ કરી પણ કોઈ મળી આવ્યું ન હતું. અંતે મુકેશ પોલીસના શરણે આવી ફરિયાદ નોંધાવી હતી.

નોકર જે બે થેલા લઈને ફરાર ગયો હતો. તેમાં સોનાના સેટના 53 નંગ, સોનાની બુટ્ટીની 53 જોડી, સોનાના પેન્ડલ 30 નંગ, બુટ્ટી જોડી 30 નંગ, સોનાના ડોકીયા માળાવાળા એક નંગ, બુટ્ટી જોડી 10 નંગ , સોનાની લકી 10 નંગ, સોનાના કડા 7 નંગ, સોનાના મંગળસૂત્ર 9 નંગ, સોનાની જુમ્મર બુટ્ટી 3 નંગ, સોનાના હાથના પંજા 7 નંગ, સોનાના ચૂડીપાટલા 15 નંગ. તમામ સોનના ઘણેનાનું વજન 4 કિલો 625 ગ્રામ છે. જેની કિંમત 1,25,00,000 રૂપિયા પોલીસ ચોપડે ગણવામાં આવી છે. જોકે માર્કેટ વેલ્યૂ પ્રમાણે જોવા જઈએ તો તેની કિંમત 2 કરોડ જેટલી થઈ જાય છે.