મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મૂળ ચીખલી તાલુકાના વાંઝણા ગામની વતની અને અમદાવાદમાં લાંબા સમય સુધી રહેલી નેત્રી પટેલ અમેરિકન નેવીમાં નિમણૂંક પામતા ચીખલી અને અમદાવાદ બંને માટે ગર્વ વધાર્યું છે. પાટીદાર સમાજની નેત્રી પટેલે શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં દસ અઠવાડિયાની તાલીમ પુરી કરી હવે નેવીમાં સેઈલર તરીકે નિમણૂંક મેળવી ચુકી છે. 

છ વર્ષ પુર્વે અમદાવાદથી નેત્રી નિરવભાઈ પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઈ હતી. અહીં અમદાવાદમાં તેણે ધોરણ દસ સુધીનો અભ્યાસ પુરો કર્યો છે. તે હાલ મિસિસિપી સ્ટેટમાં રહે છે. તેના પિતા નિરવભાઈ દુર્લભભાઈ પટેલ વર્ષોથી અમદાવાદમાં બિઝનેસ કરી રહ્યા હતા. જોકે હવે તેઓ અમેરિકામાં મોટેલના વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે. દીકરીના યુએસ નેવીમાં નિમણૂંક સાથે જ પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

અહીં અમેરિકામાં નિરવભાઈ પોતાના પત્ની ડોલી પટેલ, દિકરા વંશ પટેલ અને દીકરી નેત્રી સાથે સ્થાયી થયા છે. નેત્રીએ અત્યંત મુશ્કેલ એવી ટ્રેનિંગ પુરી કરી અને નિમણૂંક મેળવી છે. પરિવારથી દૂર તેણે દસ દિવસની આ મુશ્કેલ ટ્રેનિંગ પુરી કરી હતી. સફળ ટ્રેનિંગ પુરી કર્યા પછી તેને યુએસ નેવીમાં સેઈલર તરીકે નિમણૂંક મળી છે.

ઉલ્લેખનીય છે કે યુએસ નેવીની આ ટ્રેનિંગ એક મોટું સાહસ માગી લેનારી હોય છે. નબળા મનોબળના વ્યક્તિ માટે આ ટ્રેનિંગ પુરી કરવી શક્ય જ નથી. ત્યારે અદમ્ય સાહસ અને મનોબળ સાથે આગળ વધેલી નેત્રીએ ટ્રેનિંગ લીધી પણ અને તેને સફળતા પૂર્વક પાર કરી નિમણૂંક પણ મેળવી લીધી છે.