મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના જાણિતા બિલ્ડર અને ઉદ્યોગપતિ નરસી પટેલનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓએ અમદાવાદમાં ગેલોપ્સ મોલ સહિતની જાણિતી બિલ્ડીંગ્સ ઊભી કરી હતી. તેમને થોડા દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.

અમદાવાદમાં ગેલોપ્સ મોલ, સાણંદમાં ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિતની જાણિતી બિલ્ડીંગ્સ બનાવનાર નરસી પટેલનું 62 વર્ષની વયે કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જોકે તેમને અન્ય બિમારીઓ પણ હતી. તેઓ થોડા દિવસ પહેલા ડાયાલિસીસ માટે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમને તબીબોએ સલાહ આપી કે તેઓ કોરોનાનો રિપોર્ટ કઢાવી લે. તે પછી તેમણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ આવતાને પગલે તેમને સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ગત રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.