મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં આજે એક વીચિત્ર ઘટના ઘટી હતી જેને લઈ આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા. અહીં એક વ્યક્તિ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો અને ઉતરવાનું નામ લેતો ન્હોતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તુરંત સ્થળ પર દોડી આવ્યું હતું અને તેમણે એક યોગ્ય રણનીતિ સાથે શખ્સને સલામત નીચે ઉતાર્યો હતો. 

ફાયર વિભાગ માટે સૌથી મુશ્કેલ હતું કે તે શખ્સને જાનહાની ન થાય. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ઔડાના મકાન ખાતે જ રહેતો અને ત્યાં જ પાસે એક મોબાઈલ ટાવર છે જેના ઉપર ચઢવા ઉતરવા માટે કેટલીક સરળ સીડીઓ જેવું બનેલું છે. એક યુવક અહીં ઉપર ચઢી ગયો હતો. જેને ઉતારવામાં ભારે ઉહાપોહ થઈ ગયો હતો. વિસ્તારના લોકો પણ અહીં આ દૃષ્ય જોવા આવી પહોંચ્યા હતા. આ ઘટના ગુરુવારે સવારે બની હતી.

ઘટનાની જાણ થતાં જ નરોડા ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોઢ પણ સ્થળ પર દોડી ગયા હતા અને શખ્સને રેસ્ક્યૂ કરી ત્યાંથી ઉતારી લેવાયો હતો. યુવકને નીચે ઉતારવામાં વિભાગને ભારે મહેનત કરવી પડી હતી કારણ કે તે અહીં ઘણા નખરા કરી રહ્યો હતો. દોઢ કલાક જેટલો સમય સુધી ફાયર વિભાગ મથ્યું હતું તેને નીચે ઉતારવા માટે. યુવક શર્ટ કાઢી નાખતો, પડી જવાની ધમકી આપતો, ફાયર વિભાગના કર્મચારીઓને પણ પાડી દેવાની ધમકી આપતો, ફાયર વિભાગે આખરે ટીટીએલ મશીન દ્વારા આ શખ્સને પકડી પાડ્યો. પ્રારંભીક ધોરણે યુવક નશામાં ઉપર ચઢ્યો હોવાનું લોકોનું માનવું હતું. સ્થાનિકોનું કહેવું હતું કે આ શખ્સ અવારનવાર નશાની હાલતમાં આવા ઘણા તાયફા કરતો હોય છે. ચોરીની આદત વાળો છે, અહીં પણ તે ઉપરથી ડિસમીસ માગતો હતો તેથી કાંઈક ચોરવા ચઢ્યો હોવાનો અંદાજ લોકો લગાવતા હતા. જોકે રેસ્ક્યૂ બાદ યુવકને પોલીસને સોંપાયો હતો. હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.