દેવલ જાદવ(મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં નળસરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. અમદાવાદમાં સાણંદ નજીક આવેલા નળસરોવરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ વિદેશથી આવતા હોય છે. તાજેતરમાં સાણંદથી નળસરોવર જવાનો રસ્તો પહોળો કરવાનો હોવાને કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સાણંદના ગોરજ ગામની આજુબાજુના વિસ્તારમાં રોડ પરના વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાણંદમાં નળસરોવર રોડ પર મોટી સંખ્યામાં વૃક્ષો છે જે વર્ષો જુના છે. કેટલાક વૃક્ષો તો અંદાજીત 50 વર્ષથી પણ વધારે જુના છે. ત્યારે વિકાસના નામે આ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. જે અભ્યારણયના વિકાસ માટે આ રોડ બનવવામાં આવી રહ્યો છે તેનાથી થોડા અંતરે બીજું એક થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. વિદેશી પક્ષીઓ સીઝનમાં આ બંને અભ્યારણ્યોમાં અવરજવર કરતા હોય છે.

સાણંદમાં પક્ષીઓ માટે કામ કરતી સંસ્થા સાધના ફાઓઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "નળસરોવરના રસ્તા ઉપર જે વૃક્ષો આવેલા છે તે વૃક્ષો આ સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ઘરનું કામ કરે છે. કેટલાક પક્ષીઓ તો આ વૃક્ષો પર માળા બાંધીને પોતાનું ઘર બનાવે છે. એવામાં વિકાસના નામે આ વૃક્ષો કાપવાથી આ પક્ષીઓને નુકસાન થશે. એક બાજુ સરકાર વૃક્ષરોપણના મોટા મોટા કાર્યક્રમો કરે છે તો બીજી બાજુ આવી રીતે વર્ષો જુના વૃક્ષો જેના ઉપર પક્ષીઓ નભે છે તે કાપવાનું કામ કરે છે."

Advertisement


 

 

 

 

 

ગૌરવ ઠક્કરે ઉમેર્યું હતું કે, "આ વૃક્ષો કાપવાથી પક્ષીઓને તો નુકસાન થશે જ પરંતુ તેના લીધે પર્યાવરણને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે છે. આ વૃક્ષો કાપ્યા બાદ આવનારા 10 વર્ષ સુધી આ વૃક્ષોની ભરપાઈ નહીં થઈ શકે. સાણંદની આજુબાજુ ઔધોગિકરણના નામે ઘણી બધી જગ્યાએ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે ત્યારે માત્ર નળસરોવર રોડ જ એવો કે જ્યાં મોટી સંખ્યામાં વૃક્ષો જોવા મળે છે હવે વિકાસ માટે આ જ વૃક્ષ કાપવામાં આવશે તો પર્યાવરણનું શુ થશે?"

ગુજરાતના જાણીતા પ્રયાવર્ણવિદ અને પૂર્વ ફોરેસ્ટ ઓફિસર વી.ડી. બાલાએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે," એક વૃક્ષ જ્યારે 20 વર્ષથી વધારે વયનું થઈ જાય ત્યારે તમે તેને કાપો તો તમે પર્યાવરણને 20 થી 25 લાખનું નુકશન કરો છો. જ્યારે અહીંયા તો 50 વર્ષથી પણ જુના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આટલા જુના વૃક્ષને કાપવાથી આજુબાજુની આખી ઈકો સિસ્ટમ ઉપર અસર થાય છે. ઘણા જીવ જંતુઓ અને પક્ષીઓ આ વૃક્ષો ઉપર નભતા હોય છે તેમના જીવન પર આની અસર પડે છે."

Advertisement


 

 

 

 

 

વૃક્ષો ન કપવા પડે તેનો ઉપાય આપતા વી.ડી. બાલાએ જણાવ્યું કે રોડ રસ્તા જો અત્યંત જરૂરી હોય તો એક બાજુના જ વૃક્ષ કાપીને બીજી બાજુના વૃક્ષોને સુરક્ષિત રાખવા જોઈએ. જો એક રસ્તાની સમાંતર બીજો રોડ એવી રીતે બનાવવામાં આવે કે જેનાથી વૃક્ષો કાપવા ન પડે તો તેવું કરવું જોઈએ જેનાથી વૃક્ષો સુરક્ષિત રહી શકે અને તેના પર નભતા જીવોને કોઈ નુકસાન ન થાય.

વૃક્ષારોપણ કરીને નવા વૃક્ષો વાવવા ખૂબ સરળ છે પરંતુ તેનું જતન કરીને તેનો ઉછેર કરવો ઘણો અઘરો છે. લોકો પ્રકૃતિના સાનિધ્યમાં જવા માટે નળસરોવર જતા હોય છે ત્યારે ત્યાં જવા માટેના રસ્તામાં જ પર્યાવરણને નુકશાન પહોંચાડીને રસ્તો મોટો કરવો કેટલો યોગ્ય છે?