મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: AMC દ્વારા મે મહિનાના અંતિમ સપ્તાહમાં તેમજ જૂનની શરૂઆતમાં પાંચમી વખત સીરો-સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 15 હજારથી વધુ અમદાવાદીઓ જોડાયા હતા. જેમા જાણવા મળ્યું છે કે અમદાવાદની અંદાજે 70 ટકા વસતિમાં એન્ટિબોડી ડેવલપ થયા છે. જો કે લોકોએ એન્ટિબોડી વધતાં કોરોનાના સંક્રમણને હળવાશમાં ન લેવું જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2020માં પહેલો સીરો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 18 ટકા અમદાવાદીઓમાં એન્ટિબોડી વિકસિત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ સતત 5 વખત સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2021માં યોજાયેલા ચોથા સર્વેમાં 28 ટકા લોકોમાં કોરોના સાથે એન્ટિબોડી ડેવલપ થઈ ગઈ હતી. બીજી તરફ, એપ્રિલ 2021માં કેસની સંખ્યા ગત વર્ષના નવેમ્બર-ડિસેમ્બર કરતાં પણ 16 ગણી વધારે થઈ ગઈ હતી, જેને કારણે લોકોમાં એન્ટિબોડી વધારે વિકસિત થઈ હતી.

એએમસીના અધિકારીના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2020માં કરવામાં આવેલા સર્વેમાં અમદાવાદમાં 23 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ ગઈ હતી, જ્યારે ઓક્ટોબરના સર્વેમાં ટકાવારી 1 ટકો વધીને 24 ટકાની આસપાસ નોંધાઈ હતી. જાણવા મળ્યું છે કે થોડાં અઠવાડિયાં પછી કોરોનાની એન્ટિબોડી ગાયબ થઈ જાય છે. કોરોનાની નવી લહેર આવે એ પહેલા એની સામે લડવા માટે વેક્સિનેશન અને માસ્ક જ એકમાત્ર હથિયાર છે. અમદાવાદીઓ એન્ટિબોડી વધતાં સંક્રમણને હળવાશમાં ન લેવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોનાના 10 હજાર 863 એક્ટિવ કેસ છે, જેમાંથી 276 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 10 હજાર 591 દર્દીની હાલત સ્થિર છે.