મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પારિવારિક ગૃહકંકાસને કારણે પોપ્યુલર બિલ્ડરની શરૂ થયેલી પનૌતિની દશા હવે આગળ વધી છે. પુત્રવધુએ આપેલી અત્યાચાર અને ખુનની કોશીશની ફરિયાદ બાદ રમણ દશરથ સહિત પરિવારના પાંચ વ્યક્તિઓ સાબરમતી જેલમાં છે ત્યારે મુંબઈમાં રહેતી 84 વર્ષની વૃદ્ધા ચંચળબેન બ્રહ્મભટ્ટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલી દસ હજાર ચોરસ મીટર જમીન જેની તેઓ ઉંમરના કારણે દેખભાળ કરી શક્તા ન્હોતા તે જમીનના ખોટા પાવર ઓફ એટર્ની રમણ, દશરથ, છગન અને પરિવારની મહિલા સભ્યોએ ભેગા મળી ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડી હતી. આમ એક જ પરિવારના કુલ 9 વ્યક્તિઓએ મળીને તેમની કરોડોની જમીન હડપ કરી લીધી હતી.

પોપ્યુલર બિલ્ડર સામે નોંધાયેલી ફરિયાદ પછી જમીન પચાવી પાડવાના મુદ્દે તેમનાથી પીડિત લોકો હવે બહાર આવી રહ્યા છે. અગાઉ પણ આ જ પ્રકારની એક જમીન પચાવી પાડવાની અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થઈ છે. જેની તપાસ વસ્ત્રાપુર પોલીસ કરી રહી છે. આ કેસના ફરિયાદી ચંચળબેન બ્રહ્મભટ્ટે લખાવ્યું છે કે, તેમની ઉંમર અને શારિરીક મર્યાદાઓને ધ્યાને લઈ તેમના જીવનનો ભરોસો નથી પણ તેમની સાથે ખોટું કરનારાને નશીયત કરવામાં આવે. આ ફરિયાદમાં ઘરની મહિલાઓ સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા હવે ઘરના તમામ સભ્યો સામે એક યા બીજા મુદ્દે ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ કેસમાં આરોપીઓ પૈકી મોટાભાગના સાંઈઠી વટાવી ચુકેલા છે.