દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં આવેલું મોટેરા સ્ટેડિયમ હવેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. ૨૪ ફેબ્રઆરીથી શરૂ થઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પેહલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગૃહમંત્રી અમિત શાહ, ખેલકૂદ મંત્રી કિરણ રીજીજુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય મહેમાનોની હાજરીમાં મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટનની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. ઉદઘટનના તરત બાદ ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા સ્ટેડિયમનું નામ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એવી જાહેરાત કરી. આ સ્ટેડિયમમાં ૪ ડ્રેસિંગ રૂમ, ૭૦થી વધારે કોર્પોરેટ બોક્સ, સ્વિમિંગ પુલ અને ફૂડ કોર્ટ જેવી વ્યવસ્થાઓ છે.

મોટેરા સ્ટેડિયમ સૌ પ્રથમ ૧૯૮૨માં બનાવવામાં આવ્યું હતું ત્યારે તેની ક્ષમતા ૪૯૦૦૦ પ્રેક્ષકોની હતી. ત્યાર બાદ ૨૦૧૬માં તેને તોડીને રેનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. અંદાજિત ૮૦૦ કરોડના ખર્ચે અત્યારે નવું સ્ટેડિયમ ૧૧૦૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા વાળું બનીને તૈયાર છે અને તેમાં પ્રથમ મેચ રમાવા જઈ રહી છે. તેની પેહલા પેહલા જ આ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી વધારે ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ છે. 

ઉદઘાટન બાદ સંબોધન આપતા ગૃહમંત્રી અમિત શાહ એ જણાવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ માત્ર છ મહિના બાદ ઓલમ્પિક હોસ્ટ કરી શકે તેમ છે. સ્પોર્ટ્સ એનક્લેવની પ્રેક્ષકોની ક્ષમતા ૧૩૨૦૦૦ છે. જેના કારણે આ માત્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્ટર્ટ્સ સ્ટેડિયમ બની જશે. જેમાં આંતરરાષ્ટ્રીય ખીલાડીઓ માટે ટ્રેનીંગ અને રેહવાની વ્યવસ્થા હશે. આ સ્ટેડિયમમાં એક સાથે ૩૦૦૦ બાળકોને રેહવની અને રમવાની વ્યવસ્થા હશે.