દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): કહેવાય છે કે અમદાવાદ છોકરીઓ માટે સુરક્ષિત શહેર છે તેમ છતાં છોકરીઓની છેડતી અને છોકરીઓ વિરુદ્ધના ગુના દિવસેને દિવસે નામશેષ થવાને બદલે જાણે રોજીંદા બની ગયા છે. પહેલા છોકરીઓની રોડ પર કે જાહેર જગ્યાએ છેડતી થતી હતી, જે હવે ડિજિટલ ઈન્ડિયાના સમયમાં ઓનલાઈન છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીએ એક છોકરીને વોટ્સએપમાં નગ્ન ફોટા મોકલ્યા હતા. જેની ફરિયાદ છોકરીના પિતાએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી.

ફરિયાદીની દીકરી દાણીલીમડા શાહેઆલમ વિસ્તારમાં આવેલા ઓકે ફોટો સટુડિયોમાં ફોટો ફ્રેમ બનાવવા ગઈ હતી ત્યારે તેને એક ફોટા વાળું કૂસન પસંદ આવતાં તેવું જ એક કૂસન બનવાનો ઓર્ડર આપ્યો હતો. થોડા દિવસ બાદ ઓકે ફોટો સ્ટડિયોમાંથી વોટ્સએપ પર મેસેજ આવ્યો કે તમારો ઓર્ડર તૈયાર છે અને ઓનલાઈન પૈસા ચૂકવવા જણાવ્યું હતું. પૈસાની ચુકવણી થઈ ગયા બાદ થોડા સમય પછી ઓકે ફોટો સ્ટુડિયોના નંબર પરથી આ યુવતીના ફોનમાં એક નગ્ન ફોટો મોકલવામાં આવ્યો હતો. જેની ફરિયાદ યુવતીના પિતાએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી.

Advertisement


 

 

 

 

 

આ ફરિયાદ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાના માર્ગદર્શન નીચે પોલીસ ઇન્સ્પેકટર એમ.એચ.પુવાર અને તેમની ટીમ દ્વારા સરખેજ ફતેવાડી વિસ્તારમાં આવેલા શુકન ફ્લેટમાં રહેતા મહોમ્મદ હસન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જે ઓકે ફોટો સ્ટુડિયો ચલાવે છે. ધરપકડ બાદ પુછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે આ યુવતી ફોટો ફ્રેમ બનાવવા આવી હતી ત્યાર બાદ પોતાની દાનત બગડતા તેણે જ આ યુવતીને નગ્ન ફોટો મોકલ્યો હતો. ધરપકડ બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જેની કિંમત અંદાજિત ૩૦૦૦ રૂપિયા છે તે મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે.