મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી બાળકોને ઉપાડી જતા હોવાના સીસીટીવીથી માંડી ઘણા વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે. જેને કારણે સમાન્ય અમથી કોઈ શંકાસ્પદ બાબત સામે આવે તો પણ લોકો સતર્ક થઈ જાય છે. જોકે ઘણીવાર આ કારણે કોઈ અન્યને પણ માર ખાવો કે મોત દેખાઈ જાય તેવા સંજોગો આવી પડે છે. મોબ લિંચિંગની ઘટનાઓથી આપ અવગત તો છો જ. આવી જ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બની છે. જ્યાં બાળકો ઉપાડવાની ગેંગનો સાગરિત આવ્યો છે તેવું સમજી લોકોના ટોળાએ તે ફેરિયાને પકડી ઢોર માર માર્યો છે જોકે સમયસર પોલીસ આવી જતાં યુવકનો બચાવ થયો હતો.

મૂળ યુપીનો વતની યુવક અમદાવાદના લાલદરવાજા ખાતે ફેરિયા તરીકે કામ કરતો હતો. થોડા દિવસ પહેલા તે પોતાના વતનથી અમદાવાદ આવ્યો હતો. તે લેડીઝ ડ્રેસ મટીરિયલ વેચવા ફરતો હતો. ગત બપોરે તે ઘાટલોડિયા વિસ્તારમાં સોસાયટીઓમાં ડ્રેસ મટીરિયલ્સ વેચવા ગયો હતો. ઘાટલોડિયાની કે કે નગરની શાંતનું સોસાયટીમાં તે બપોરે ડ્રેસ મટીરિયલ વેચવા ગયો ત્યારે તે ઘરોમાં મહિલાઓને મટીરિયલ્સ બતાવતો હતો ત્યારે એક ઘરમાંથી એક વ્યક્તિ આવ્યો અને તેણે બુમ પાડીને કહ્યું કેમ આવ્યો છે. તુ ઊભો રહે..

આવું કહી તેણે ગુસ્સામાં ફેરિયાની તરફ પગલા વધાર્યા. જેથી ફેરિયો યુવક ગભરાઈને ત્યાંથી ભાગ્યો. જે જોઈ સોસાયટીના એક યુવકે ટુ વ્હીલર પર તેનો પીછો કરી તેને પકડ્યો અને બાદમાં યુવક અને સોસાયટીના અન્ય લોકો તેના પર તૂટી પડ્યા અને માર માર્યો. તે દરમિયાન પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી અને ફેરિયાનો જીવ બચાવ્યો હતો. પોલીસે આ સંદર્ભે સોસાયટીના ટોળા સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.