મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યાથી લોકો ઘણા કંટાળેલા છે. ઘણા વિસ્તારોમાં બીઆરટીએસનો રસ્તો પણ લોકો વહન માટે વાપરતા થઈ ગયા છે કારણ કે અન્ય રસ્તો એટલો સાંકળો હોવાને કારણે ભારે ટ્રાફીક જામ થાય અને આ બાજુ બીઆરટીએસનો રસ્તો સાવ ખુલ્લો ધૂપ હોય તેથી લોકો નિયમો પણ તોડતા થયા છે. આ સંદર્ભે જમાલપુરના ધારાસભ્યએ કમિશનરને રજૂઆત કરી તો કમિશનરે એવો જવાબ આપ્યો કે મને તો ક્યાંય ટ્રાફીક નડતો નથી. તે સાથે જ ધારાસભ્યએ રોકડો જવાબ આપતા કહ્યું કે, તમે તો સાયરનવાળી ગાડીમાં ફરો છો, ટ્રાફીક ક્યાંથી નડવાનો.

અમદાવાદમાં દિવસેને દિવસે રોડ પર નવા વાહનો આવતા જાય છે અને તેને કારણે રસ્તાઓ પર ટ્રાફીક જામના દ્રષ્યો દર થોડા કિલોમીટરએ જોવા મળે છે. સવાર અને સાંજના ઓફીસ ટાઈમીંગ્સમાં તો શહેર રિતસર ધૂમાડા ઓકતું એન્જિન જેવું બની જાય છે. ઘણા રસ્તાઓ પર બીઆરટીએસ એક આશિર્વાદ બની છે જ્યારે ઘણા રસ્તાઓ પર તે અભિશાપ સમાન છે. અમદાવાદમાં જ્યાં અન્ય વાહનોના માટે સાંકડો રસ્તો છે ત્યાં બીઆરટીએસ માટેનો ખુલ્લો અને મોટો રસ્તો જોઈ લોકો બીઆરટીએસમાં બીન્દાસ્તર ફૂલ સ્પીડમાં વાહનો ચલાવતા થયા છે. જલદી નીકળી જાઉં, જલદી નીકળી જાઉંના કેફમાં લોકો જ્યાં ત્યાં જગ્યા મળે ત્યાં વાહન ઘૂસાડી દેતા થઈ ગયા છે જેને કારણે ટ્રાફીકની સમસ્યા અનહદ બની ગઈ છે. આ અંગે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જ્યારે મ્યૂનિ. અધિકારીઓ અને ધારાસભ્યો-સાંસદોની શનિવારે મળેલી સંકલન સમિતીની બેઠકમાં રજૂઆત કરી હતી કે, આંબેડકર સ્ટેચ્યૂથી સારંગપુર અને વિક્ટોરિયા ગાર્ડન સુધી સવાર-સાંજ બંને સમયે ખુબ ટ્રાફિક થઈ જાય છે. જેથી પ્રદૂષણ વધે છે. આ સંદર્ભે કમિશનરે કહ્યું કે, હું તો એ રસ્તા પર રોજ જાઉં છું, મને તો કોઈપણ પ્રકારનો ટ્રાફીક નથી નડતો. આ સાંભળી ધારાસભ્યએ રોકડો જવાબ આપતાં કહ્યું કે, જો ટ્રાફિકની સમસ્યાના ઉકેલમાં જરૂર લાગે તો બીઆરટીએસ હટાવી દો. તે ઉપરાંત દરિયાપુરના ગ્યાસુદ્દીન શેખે એવું કહ્યું કે, એસવીપી સહિતની શહેરની મ્યૂનિ. હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર મફત થવી જોઈએ કારણ કે માત્ર દરિયાપુર વિસ્તારમાં જ બે મહિનામાં 1200 કેસ નોંધાયા.