સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ) : કોરોના હવે એ સ્ટેજ પર આવી ચૂક્યો છે કે તે આપણી વચ્ચેથી વિદાય લેશે કે કેમ તે સવાલ છે. કોરોના મહામારી વિશે હવે કોઈ ઠોસ વાત આવી રહી નથી. વેક્સિનને પણ હજુ સમય લાગશે. આ સ્થિતિ જોતા જેઓના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ચૂક્યા છે અને રોજગારી ગુમાવી છે, તેઓની સ્થિતિ કફોડી છે. ત્રણ મહિના થઈ ચૂક્યા હોવા છતાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ હજુ પણ બંધ છે અને ક્યારે શરૂ થશે તેની કોઈ ચોક્કસ ખાતરી નથી. આ માટે અમદાવાદમાં ઘીકાંટા ખાતે આવેલી મેટ્રોપોલિટન કોર્ટ વહેલી તકે શરૂ કરવામાં આવે તે માંગણી સાથે વકીલોએ ધરણા કર્યા હતા.

વકીલોની આ માગણીને સરકાર સમક્ષ રજૂઆત કરવા મેટ્રોપોલિટન કોર્ટના જજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. કોર્ટ શરૂ ન થઈ હોવાથી વકીલોની સ્થિતિ કફોડી થવા જઈ રહી છે. લોકડાઉનના ગાળા દરમિયાન વકીલોને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી. વકીલોની માતૃસંસ્થા ગણાતી બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા 8,500 વકીલ દીઠ 5,000 રૂપિયા સહાય પેટે આપવામાં આવ્યા છે. તે ઉપરાંત બાર કાઉન્સિલ વકીલોને અન્ય વ્યવસાય કરવાની પણ છૂટ આપી છે. આમ, હવે એક પછી એક મોટા ભાગના ક્ષેત્રના લોકો પોતાના ધંધા-રોજગાર ફરી શરૂ થાય તે માટે વાટ જોઈને બેઠા છે.