તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): કાળમુખો કોરોના માણસને ભરખવા આવ્યો, ઘણાઓને ભરખી પણ ગયો. કોરોના ના ભરખી શક્યો એવા ગરીબ શ્રમિકોને પગપાળા વતન જવામાં અકસ્માત, ભૂખ-તરસ કે અસહ્ય તાપ ભરખવા લાગ્યો છે. શ્રમિકો વતન જવા મજબૂરી વશ પગપાળા કે માલવાહક વાહનોમાં જવા પણ તૈયાર થયા છે. આંખોમાં આંસુ આવી જાય એવા દ્રશ્યો સામે આવતા રહે છે. છતાં આવા કપરા સમયમાં રાજકીય પરિબળ ધર્મવાદના લોકોને ધૃણા ભરવાના ગોરખધંધા બંધ નથી કરતા. આમ છતાં યાકુબ મહંમદ જેવા ઘણા યુવાનો મહંમદ પૈગમ્બર સાહેબનો માનવતાનો ઉપદેશ આપતા રહે છે, જે ઘનઘોર અંધારામાં પણ પ્રકાશની હાજરી બતાવે છે.

લૉક ડાઉનમાં સુરતથી ૪૦૦૦ રૂપિયા ભાડું ચૂકવી શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળે છે. કાળજાળ ગરમી અને સવલતના નામે લગભગ મીંડું લઈ વતન જવાની આશા લઈ મજૂરો ટ્રકમાં સવાર છે. આ ટ્રક મંજીલ તરફ જતા મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં પહોંચે છે. અચાનક ટ્રકમાં સવાર યુપીના બસ્તિ જિલ્લાના યુવાન અમ્રિતની અચાનક તબિયત લથડે છે. અમ્રિતની કથળેલી હાલત જોતા ટ્રકમાં સવાર અન્ય શ્રમિકો કોરોનાના ભયને કારણે અમ્રિતને ઉતારી દેવા માટે હલ્લો મચાવે છે. આખરે અમ્રિતને આ ગંભીર હાલતમાં રસ્તા પર જ ઉતારી ઈશ્વરના ભરોસે છોડી દેવાનો નિર્ણય થઈ ગયો. અમ્રિતને ઉતારી પણ દેવામાં આવે છે.

અમ્રિતને બેચેની, ઉલટી થવા જેવી ગંભીર સ્થતિ હતી એને મદદની જરૂર હતી. આ સમયે તેનો મિત્ર યાકુબ મહંમદ માણસાઈ ધર્મ નિભાવવાનો નિર્ણય કરે છે. યાકુબ પણ ટ્રકમાંથી ઉતરી અમ્રિતને બચાવવા રાહદારીઓ પાસે મદદ માંગે છે. ખોળામાં માથું મૂકી બેભાન મિત્ર અમ્રિતને પંપાળે છે, શક્ય એટલા પ્રયત્ન કરી મદદ મેળવવા સફળ પણ થાય છે. આ સમયે કોઈ એ આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું હતું. જે ફોટો સ્વરૂપે ખૂબ વાયરલ પણ થયું છે. પરંતુ અમ્રિતનો સમય કુદરતની ગોદમાં જવાનો હતો અને તે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દમ તોડી દુનિયામાંથી વિદાય લે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ડોકટરો એ અમ્રિતની હાલત ગંભીર હોવાથી બચી શક્યો નહીં અને બન્નેના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે પણ પરિણામ આવ્યા નથી એવું જાણવા મળે છે.

કોરોનાના ભયને કારણે સોશિયલ ડિસ્ટન્સ પાળવામાં આપણે ચુસ્ત બનીએ, એલર્ટ બનીએ એ ખૂબ સારી બાબત છે. છતાં એટલા પણ નિર્દયી ના બનીએ કે સમયસર સારવાર આપવાને બદલે રસ્તા પર કોઈ ખરાબ સ્વાસ્થ્ય વાળા અમ્રિતને રાઝળતો મુકવા તૈયાર થઈએ. આ કિસ્સામાં શ્રમિકોની માણસાઈ ભયના કારણે મરી પરવારી હતી એવામાં યાકુબ મહંમદ ફરિસ્તો બની માણસાઈના પાઠ ભણાવી જાય છે.

અમ્રિતનું મોત દુઃખદ છે, યાકુબ જેવા યુવાનો આજે પણ ધર્મના નામે થતા રાગ દ્વેષમાં ફસાયા વિના માણસાઈ બચાવવાનું નેક કાર્ય કરી સમાજને ઉદાહરણ પૂરું પાડે છે એ વાત સરાહનીય છે. કોરોનાને પણ ધર્મ, જાત જેવા સાંપ્રદાયિક રંગ દેવામાં આવતો હોય ત્યારે આ કિસ્સો સમાજની આંખ ઉઘાડે એવો છે. મહામારી સ્વરૂપે આવેલી આ મુશ્કેલીનું નિરાકરણ કદાચ વૈજ્ઞાનિક લાવી શકશે પણ આ સાથે આવેલા રાગ દ્વેષની દવા તો આપણે જાતે જ શોધવી પડશે.