મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ દ્વારા હાડ થીજાવતી ઠંડીમાં ઠુઠવાતા જરૂરિયાતમંદો માટે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજીના આશીર્વાદથી સંતો એવં સ્વયંસેવકોની ટીમ દ્વારા રાત્રે ઓઢવા ધાબળા એવં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પોતાનું ઝૂંપડુંયના હોવાથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા રેન બસેરામાં રાતવાસો કરી જીવન ગુજારતા ૧૦૦ જેટલા જરૂરીયાતમંદ પરિવારોને ડૉ. સંત સ્વામી તથા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઠંડીથી બચવા ધાબળા ઓઢાડ્યા અને ને ભૂખ્યા સૂવું ના પડે એટલે પ્રસાદ વહેંચ્યો હતો.  આ પ્રસંગે વડતાલની સેવા માટે સદૈવ તત્પર રહેતા શૈલેષભાઈ સાવલીયા, જીજ્ઞેશભાઈ પટેલ, મહેશભાઈ શાહ વગેરે અગ્રણીઓ સેવામાં જોડાયા હતા.

વડતાલધામ દ્વારા શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર ભુખ્યાને અન્ન, રોગીષ્ટોને મફતમાં સારવાર તો આપાય જ છે સાથો સાથ સત્સંગીઓને પણ સમાજસેવા કરવા પ્રેરવા છેલ્લા ઘણા સમયથી પરિણામલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને  જનસેવા એજ પ્રભુસેવાનું સૂત્ર સાકાર કરવા પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે આ ધાબળા વિતરણની સેવા હરિકૃષ્ણ મહારાજની પ્રેરણાથી અમદાવાદ રહેવાસી શૈલેષભાઈ સાવલીયા તથા મુંબઈ નિવાસી કીરીટભાઈ બાખડા તરફથી કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે ગોઠવાય એ માટે શ્યામ સ્વામી અને નિકિત ભગતે માર્ગદર્શન આપ્યું હતું.