જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ) : અમદાવાદમાં ફરી એકવાર દીપડાની દહેશતએ લોકોને ફફડાટમાં મૂકી દીધા છે. અમદાવાદના સનાથલમાં બુધવારે દીપડો દેખાયો હોવાની વાતથી સ્થાનિક લોકો ભયમાં મુકાયા છે. દીપડા વિશેની જાણ થતાં વનવિભાગ હરકતમાં આવ્યું છે. અને દીપડાને પકડવા સનાથલ વિસ્તારમાં પાંજરાં મૂક્યા છે.

અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં દિપડાની દહેશત જોવા મળતી હતી. જોકે હવે અમદાવાદની આસપાસ પણ દીપડો જોવા મળ્યો છે. સરખેજથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા સનાથલ સર્કલ પાસે ખેતરમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે. જ્યારે આ વાતની જાણ વનવિભાગને થતાં વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વનવિભાગને તે વિસ્તારમાં  દીપડાએ નીલ ગાયના બચ્ચાનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. અને દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા છે. જેથી વનવિભાગએ દીપડાને પકડવા માટે ચાર પીંજરા પણ મૂક્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ શહેરના સરખેજ -ગાંધીનગર હાઈવેના સનાથલ બ્રિજ પાસે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દીપડોને  અજાણ્યા ભારે વાહનની ટક્કર વાગતા મોતને ભેટ્યો હોવાનું મનાય છે. તે અગાઉ વસ્ત્રાલમાં પણ દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.