મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ત્રણ મહિનના અગાઉ રામોલ પોલીસમાં મંગાજી ઠાકોર નામના ખેડૂતે પોતાની સાથે પોતાની માલિકીની 11 કરોડની જમીનમાં પોતાની સાથે છેંતરપીડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં બાપુનગરના બિલ્ડર્સના નામ હતા, પોલીસની તપાસમાં બહાર આવ્યા પ્રમાણે આ ઘટનાની પાછળ ગોવિંદ નામના પોલીસ કર્મચારીનો દોરી સંચાર હતો. જેના કારણે રામોલ પોલીસ અને તેમના સિનિયર અધિકારીઓ ફરિયાદના ત્રણ મહિના પછી આરોપી પકડવાને બદલે વોલીબોલની રમત રમતા હોય તે રીતે કેસને ફંગોળી રહ્યા હતા. આ મામલે ફરિયાદી ત્રસ્ત હતો. ફરિયાદી જાણે આરોપી હોય તેવી સ્થિતિ પોલીસ અધિકારીઓએ નિર્માણ કરી હતી. આખરે આ મામલો સેકટર 2 ના એડીશનલ પોલીસ કમિશનર ગૌતમ પરમાર પાસે જતાં તેમને પણ ખ્યાલ આવ્યો કે રામોલ પોલીસને ફરિયાદીને ન્યાય મળે તેમાં કોઈ રસ નથી, આથી શુક્રવારની સાંજે તેમણે આ કેસ રામોલ પોલીસ પાસેથી લઈ એસીપી મીલાપ પટેલને સોંપી દીધો છે.

મંગાજી ઠાકોરની જમીન સસ્તામાં પડાવી લેવા બાપુનગરના બિલ્ડર અને તેમના મળતીયાએ પ્લાન બનાવી મંગાજીને દસક્રોઈ મામલતદાર ઓફિસમાં બોલાવી કબુલાતનામુ લખાવી લીધું હતું. ત્યાર બાદ પૈસા આપવાને બદલે પોલીસ આવી છે તેવો ડર બતાડી આરોપી પૈસા ભરેલા થેલા સાથે ફરાર થઈ ગયા હતા. જો કે આરોપીની પોલીસમાં વગ હોવાને કારણે પહેલા તો મંગાજી જાણે આરોપી હોય તેવો ઘાટ ઘડાયો હતો. લાંબી મહેનત પછી ફરિયાદ તો નોંધાઈ પણ રામોલ પોલીસે પૈસા સાથે ફરાર થયેલા આરોપીને પકડવા કોઈ કાર્યવાહી કરી નહીં, ફરિયાદના ત્રણ મહિના પછી પણ આરોપી બિન્દાસ ફરી રહ્યા હતા. બીજી તરફ મંગાજી ઠાકોર ન્યાય મળે તે માટે પોલીસ સ્ટેશન ધક્કા ખાઈ રહ્યા હતા, બાપુનગરના બિલ્ડરો જેમની વગ રાજકીય નેતાઓ સુધી હોવાને કારણે બિલ્ડર્સ અને પોલીસ અધિકારીઓ સમાધાનની ભૂમિકા ઊભી કરી મંગાજીને થકવી દેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આખરે મંગાજી થાકી જે મળે તે લઈ સમાધાન કરે.

આ સમગ્ર મામલો એડીશનલ સીપી ગૌતમ પરમારના ધ્યાન ઉપર આવતા તેમને પણ આરોપમાં વજુદ લાગતા તેમણે આ ફરિયાદની તપાસ રામોલ પોલીસ પાસેથી લઈ એસીપી કે ડીવીઝન મીલાપ પટેલને સોંપી દેવાનો આદેશ કર્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આવી એક ચોક્કસ ગેંગ્સ કાર્યરત છે. જે ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઈ તેમની કિંમતી જમની ઓહ્યા કરી જાય છે અને પછી ખેડૂત પોલીસ અને કોર્ટના ધક્કા ખાતો મરી જાય છે.