દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં હવે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જમીનની અંદર રહેતા જીવ જંતુઓ બહાર આવતા હોય છે. ચોમાસાની ઋતુમાં સાપ અને અન્ય જીવો બહાર નીકળતા હોય છે અને માનવ વસ્તીમાં ઘૂસી આવતા હોય છે. એવી જ રીતે આજે લાલ દરવાજા પાસે આવેલા કૃષ્ણ મંદિરની અંદર સાપ આવી ગયો હતો જેના કારણે લોકોમાં  દોડધામ મચી ગઈ હતી.

કૃષ્ણ મંદિરની અંદર આવેલો આ સાપ બિનઝેરી સાપ હતો. ગુજરાતીમાં આ સાપને ધામણ કહેવામાં આવે છે જ્યારે અંગ્રેજીમાં આ સાપને રેટ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં જોવા મળતા મોટા ભાગના સાપ બિનઝેરી જ હોય છે અને આ સાપની લંબાઈ ત્રણ ફૂટ સુધીની હોય છે. મુખ્યત્વે કોબ્રા, ક્રેટ, રસલવાઇપર અને સોસ્કેલવાઈપર આ ચાર જ ઝેરી સાપ ગુજરાતમાં જોવા મળે છે. મંદિરમાં સાપ ઘૂસી આવવાની ઘટનાની જાણ થતાં જ એનિમલ લાઇફ કેર દ્વારા સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.

સાપનું રેસ્ક્યું કરનાર એનિમલ લાઇફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે, " હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે અવારનવાર આપના ઘરમાં, સોસાયટીમાં કે આસપાસના સ્થળોએ સાપ તથા અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે તો યોગ્ય જાણકારી અને તાલીમ ન હોય તો તેમને પકડવાની કોશિશ કરવી નહીં. તાત્કાલિક હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ."