મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ દ્વારા શિલજ ખાતેના બંગલોમાં આત્મહત્યા કરી લેવામાં આવી છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ છે. પોલીસ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે કૌશિકભાઈના શિલજ ખાતેના શાલીન બંગલોઝમાં આ ઘટના ઘટી છે જેમાં તેમના મોટાભાઈએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીટીકલ ફેમીલી કનેક્શન હોવાને પગલે આ કેસમાં હવે ચકચાર મચી જવા પામી છે.

ગૌતમભાઈને કેમિકલનો ધંધો હતો જેમાં તેમનો પુત્ર પણ તેમની સાથે જ કામ કરતો હતો. પુત્ર અને પુત્રવધુ તેમની સાથે ઘરમાં રહે છે. આ ઘટના આજે સવારે બની હતી. તેમણે ઘરના ઉપરના માળે જઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે જ્યારે આત્મહત્યા કરી તે સમયે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં જ હતા. જોકે તેઓ જ્યારે લાંબો સમય દેખાય નહીં ત્યારે તેમના પત્ની ઉપરના રૂમમાં ગયા ત્યારે દરવાજો ખોલીને જોયું તો ગૌતમભાઈ ફાંસો ખાઈ લીધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. તેઓ રીતસર અવાક થઈ ગયા હતા તેમણે બુમો પાડી અન્યોને જાણ કરી હતી.

અમદાવાદના શિલજ વિસ્તારમાં શાલીન બંગ્લોઝ આવેલો છે જ્યાં ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમ પટેલે આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પ્રાપ્ત માહિતીઓ અનુસાર તેમણે આત્મહત્યા કેમ કરી છે તે અંગે હાલ કોઈ ચોક્કસ કે પ્રારંભીક કારણ સામે આવી શક્યું નથી. તેમણે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં જ હતા. આ ઘટના અંગે પોલીસે જ્યારે જાણ્યું ત્યારે પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો તેમની પાસેથી હજુ કોઈ અંતિમચિઠ્ઠી મળી આવી નથી. જોકે તેઓના ભાઈ મહેસૂલ મંત્રી હોવાને કારણે આ ઘટના ભારે ચકચારી બની રહી છે. હવે આ ઘટનામાં શું કારણ સામે આવે છે અને પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે તે સમગ્ર બાબત પણ લોકોની મીટ મંડાઈ છે.