દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં દરેક મોટા શહેરો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. શહેરોમાં કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. લોકો ઓક્સિજન માટે વલખાં મારે છે. ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભા છે, ગામડાઓમાં પણ કોરોના એટલો જ પ્રસરતો જાય છે. અમદાવાદના કઠવાડામાં તો સરકારી દવાખાના પર તાળા લટકી રહ્યા છે.

કઠવાડા, અમદાવાદ શહેરને અડીને આવેલું એક ગામ છે. આ ગામમાં આવેલા PHC સેન્ટરમાં તાળા મરેલા છે. ગામના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સેન્ટર લગભગ ૨ થી ૩ મહિનાથી બંધ છે. પહેલા આ ગામ રાજ્ય સરકાર અંતર્ગત આવતા આરોગ્ય વિભાગનો ભાગ હતું પણ થોડા સમય પહેલા આ ગામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યું. જેના કારણે ગુજરાત સરકાર અંતર્ગત આવતું PHC સેન્ટર બંધ કરવામાં આવ્યું. PHC સેન્ટર બંધ કર્યા બાદ આ જગ્યા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અર્બન હેલ્થ સેન્ટર બનવું જોઈએ તે હજુ બન્યું નથી. જેના કારણે ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના લોકોને જો સરકારી આરોગ્યની સુવિધા લેવી હોય તો બીજા નજીકના ગામ વેહલાલ અથવા તો નિકોલ જવું પડે છે. પોતાના ગામમાં કોઈ સરકારી આરોગ્યની સુવિધા કઠવાડા ગામના લોકોને હાલ મળતી નથી. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં ગામના લોકોને જો પ્રાથમિક સુવિધા જ ન મળતી હોય તો કોરોનાની સારવાર તો દૂરની વાત છે.

મોટા મોટા શહેરોમાં જ્યારે આટલી ખરાબ પરિસ્થિતિ હોય તેવા સમયે સરકાર અને તંત્ર દ્વારા નજીકના ગામોમાં સંક્રમણ ન વધે તેના માટે આગોતરા પગલાં લેવા જોઈએ. જો ગામડાઓમાં સંક્રમણ વધી જાય તેવી પરસ્થિતિ ઊભી થાય તો આગળ શું પગલાં લેવા તેના માટે અત્યારથી આયોજન શરૂ કરી દેવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ જોતા જો ગામડાઓમાં સંક્રમણ વધશે તો ગામડાઓમાં એવી કોઈ આરોગ્યની સુવિધાઓ નથી જેની મદદથી આ સંક્રમણને વધતું અટકાવી શકાય અને લોકોના જીવ બચાવી શકાય. આ અંગે સરકારે વિચાર કરવો જોઈએ.