મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગાંધી જે અહિંસાને હંમેશા વળગી રહ્યા તે ગુજરાત હવે ગાંધીનું ગુજરાત રહ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં હિંસા તે અત્યંત શરમજનક બાબત બની છે. સમસ્થ દેશમાં આ ઘટનાના પડઘા પડી રહ્યા છે. રવિવારે જેએનયુમાં કેટલાક બુકાનીધારીઓએ હિંસા ફેલાવી હતી ત્યાં આજે મંગળવારે સવારે અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે લાકડીઓ વડે મારામારી થઈ ગઈ હતી. એનએસયુઆઈના કાર્યકરો સીએએ અને જેનયુમાં થયેલી હિંસા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં હતા તે વખતે વિદ્યાર્થી સંગઠનના બે જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ અંગે ઋત્વીજ પટેલે કહ્યું કે એબીવીપી આ ઘટનામાં કાયદાકીય પગલા લેશે અને બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, આ પ્રકારે હિંસાની રાજનીતિ કરીને અવાજ દબાવવાના પ્રયત્નો કરાય છે.

\બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે. જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. 
પ્રાપ્ત માહિતી અનુસાર, એબીવીપીનાં કાર્યકર્તાઓ CAAનું સમર્થન કરી રહ્યાં હતા. જ્યારે બીજી તરફ એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ CAAનાં વિરોદ્ધમાં પ્રદર્શન કરવા માટે એબીવીપી કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી. આ દરમિયાન બંન્ને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો.

ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, NSUIનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં. આ લોકોએ એબીવીપીનાં કાર્યલય પર હુમલો કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવા મોરચાના વર્તમાન અધ્યક્ષ ઋત્વિજ પટેલ અને પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા અગાઉથી જ એબીવીપીના કાર્યાલયે હાજર હતા. એનએસયુઆઈના કાર્યકરો આવે એટલે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે માટેનું પ્લાનિંગ પણ આ બંનેની આગેવાનીમાં જ થયું હોવાના કોંગ્રેસ તથા એનએસયુઆઈના નેતાઓના આક્ષેપો છે. ગાંધીનાં ગુજરાતમાં આવું જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. મીડિયા અને પોલીસનો હું આભાર માનું છું કે, તેમના થકી આ મામલો જલ્દી શાંત થઇ ગયો છે. આવી હિંસા કરે તે નીંદનીય છે. જે કોઇપણ આ મામલામાં જવાબદાર હશે તેમની પર કડકમાં કડક પગલા લેવામાં આવશે. (વીડિયો અત્યંત હિંસાજનક હોવાને પગલે અહીં દર્શાવાયા નથી)