સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાએ જે સ્વરૂપ ધારણ કર્યું છે તેનાથી લોકોમાં હવે ભય પ્રસરી રહ્યો છે. અગાઉ કોરોના થઈ રહેલાં મોત અંગે વહિવટી તંત્ર એવો સધિયારો આપતાં હતા કે મોટા ભાગના મૃત્યુ અન્ય બીમારી ધરાવનારા અને ઉંમરલાયક લોકોના થઈ રહ્યા છે. જેઓને કોઈ બીમારી નથી તેઓને કોરોના થયો છે કે નહીં તે પણ ખબર પડતી નથી, પરંતુ છેલ્લા કેટલાંક દિવસોમાં જે રીતે મૃત્યુનો આંકડો વધી રહ્યો છે અને માત્ર કોરોનાથી થતી મોતથી લોકોમાં ડર પેસ્યો છે. સંપૂર્ણ લોકડાઉન જાહેર થયું હોવા છતાં અમદાવાદમાં કેસની સંખ્યા ઓછી થઈ રહી નથી. તેમાં પણ અમદાવાદમાં કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ડરાવની છે.

કોટ વિસ્તાર આમેય ગીચ વસતી ધરાવે છે અને નજીક નજીક આવેલા ઘરોના કારણે અહીંયા કોરોનાની એન્ટ્રી ઘાતક સાબિત થઈ રહી છે. કોટ વિસ્તારના જમાલપુરમાં સૌથી ખરાબ સ્થિતિ છે. જમાલપુર વોર્ડ માત્રમાં કેસની સંખ્યા પોણા સાતસો થઈ ચૂકી છે. અમદાવાદના આ વોર્ડને દેશના રાજ્યો સાથે સરખાવીએ તો તેનો ક્રમ પૂરા દેશમાં પંદરમો આવે અને પૂરા દેશનો જો સરવે કરવામાં આવે તો જમાલપુર જેટલો નાનો વિસ્તાર છે, તેટલા વિસ્તારમાં આટલા વધુ કેસ ક્યાંય આવ્યા નહીં હોય. જમાલપુરમાં જેમ પોણા સાતસો કેસ આવી ચૂક્યા છે તેમ અહીંયા મોતનો આંકડો પણ સિત્તેરને વટાવી ચૂક્યો છે.

જમાલપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ બાદ અહીંયા રોજબરોજ કેસ આવી રહ્યા છે. આ સિલસિલો અટકાવવા માટે અહીંયાની જ છીપા વેલ્ફેર હોસ્પિટલ, શિફા ટ્રસ્ટ હોસ્પિટલ અને અન્ય ખાનગી ત્રણ હોસ્પિટલને કોરોનાના દર્દીઓને સારવાર માટે ઉપલબ્ધ છે. જોકે કેસ અટકી રહ્યા નથી તેનું કારણ અહીંયા ગીચ વસ્તી છે ને ગરીબ-મધ્યમવર્ગના લોકો વધારે પ્રમાણમાં રહે છે, જેઓ મહદંશે સંયુક્ત પરિવારમાં રહે છે. નાના મકાનમાં વધુ સભ્યો રહેવાથી પણ અહીંયા કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. અહીંયા અન્ય બીમારી ધરાવનારા લોકોની સંખ્યા પણ પ્રમાણમાં વધુ છે અને મૃત્યુઆંકમાં અન્ય બીમારી ધરાવનારા વ્યક્તિઓની સંખ્યા વધુ છે તેવું પણ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે.

જમાલપુર કોરોના કેસનું પૂરા રાજયનું એપિસેન્ટર બન્યું છે. અહીંયા કોર્પોરેશનને એગ્રેસિવ ટેસ્ટિંગ કર્યું, આ ઉપરાંત પણ અન્ય રણનીતિ અપનાવી તેમ છતાં જમાલપુરના કેસ ઘટનાવાના નામ નથી લેતા. તેની આસપાસના કોટ વિસ્તારમાં પણ એ રીતે ઝડપથી સંખ્યા વધી રહી છે. આ વિસ્તારોમાં ખાડિયા, દરિયાપુર, શાહપુર, સરસપુર જેવા વિસ્તારો છે.