મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં સોશિયલ મીડિયાનું બજાર ઘણું ગરમ છે, કોરોના વાયરસની મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર ફરતાં મેસેજિસનો કેટલો ભરોસો કરવો તેનું કાંઈ નક્કી નહીં. હાલમાં જ એક મેસેજ વાયરલ થયો છે જેમાં જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્ય દ્વારા એસવીપી હોસ્પિટલની એક મહિલા તબીબની દારુના નશાની હાલતમાં છેડતી કરી અને તબીબે જોરદાર લાફો ચટકાર્યો, જેને પગલે હોબાળો થતાં ભૂષણ ભટ્ટે માફી માગી હતી. જોકે આ મેસેજ એક ખોટો મેસેજ હોવાનું સામે આવ્યું છે.

ફરતા થયેલા આ મેસેજને પગલે ભૂષણ ભટ્ટે હવે કાયદેસરના પગલા લેવાનું નક્કી કરતાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં આ મેસેજ ફેલાવનારા સામે લેખિત અરજી કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, તેઓને મોબાઇલ પર વોટ્સએપમાં મેસેજ મળ્યો હતો કે SVP હોસ્પિટલમાં લેડી ડૉકટર સાથે અડપલાં કર્યા તો ડૉકટરે તેમને તમાચો મારી જવાબ આપ્યો હતો. જોકે, હોબાળો થતાં તેમણે ડોકટરની માફી માંગી અને ગાડીમાં બેસતા હું નહીં છોડું તેવું બોલ્યા હતા. મીડિયામાં આ વાત જાહેર નહિ કરે. કોરોના પેશન્ટની ખબર કાઢવા જતાં ડોકટરે મને ના પાડતા દારૂ પીધેલી હાલતમાં મેં આવું વર્તન કર્યું હતું. તેવું જાણવા મળ્યું છે.

તેમનું અરજીમાં એવું પણ કહેવું છે કે, હું એસવીપી હોસ્પિટલમાં ગયો જ નથી. મને પણ ખબર છે કે કોરોનાના દર્દીને મળવા દેતા નથી. આપ એસવીપી હોસ્પિટલમાં તપાસ કરી આ ક્યાં ડોકટર સાથે આવું વર્તન થયું છે અને ખાસ આ વાયરલ થયેલા ફોટોની તપાસ કરવો અને જો હું દોષી હોઉં તો મારી સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતિ છે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરવાનું ષડ્યંત્ર થયું છે. ત્વરીત તપાસ કરાવીને જે કોઈ દોષીત હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.