મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વર્ષોથી અમદાવાદમાં સૌથી લાંબી નીકળતી જગન્નાથજી ભગવાનની રથયાત્રા ગત વર્ષે કોરોનાને કારણે માત્ર મંદિર પરિસર જમાલપુર ખાતે નીકળી હતી. જે તે સમયે ભક્તોમાં દુઃખની લાગણી હતી પરંતુ ભગવાનની યાત્રા કરતાં લોકોના જીવની કિંમત વધુ હતી તેવું સહુ કોઈ જાણતું હતું. આ વર્ષે પણ અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રા યોજવાની ભક્તોની માગ છે જોકે સરકારે લોકોના જીવને ફરી મહામ્ય આપતા હજુ કોઈ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. જોકે સરકાર દ્વારા જળયાત્રાને કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે અને ભક્તો વગર યોજવાની મંજુરી મળી છે. આ બાજુ મંદિર દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે જળયાત્રા યોજવાનું નક્કી કરી દેવાયું છે.

24મી જુને જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી સાબરમતી જશે. આ યાત્રામાં મર્યાદીત લોકો હાજર રહે તેવું આયોજન છે. જળયાત્રામાં નાબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેવાના છે. જેને પગલે અંદાજ લગાવાઈ રહ્યો છે કે સરકાર રથયાત્રા કાઢવાના પક્ષમાં આડકત્રી રીતે છે. જળયાત્રાની વિધિ અનુસાર એક ગજરાજ સાબરમતી નદીના આરે રહેશે જ્યારે અન્ય ગજરાજ મંદિરના પ્રાંગણમાં રહેશે. જોકે દરવખતે 18 ગજરાત આ જળયાત્રામાં જોડાતા હોય છે. 5 કળશ, 5 ધ્વજ સાથે જળયાત્રા યોજાશે. દરવખત 108 કળશ હોય છે. દરવખત આ જળયાત્રામાં ભજનમંડળીઓ પણ જોડાતી હોય છે. જોકે આવું કશું પણ હવે ભીડ ભેગી ન થાય તે કારણે યોજવામાં આવશે નહીં. જળયાત્રામાં માત્ર 50થી ઓછા લોકો જ હાજર રહે તેવું આયોજન છે. શ્રદ્ધાળુઓ જળયાત્રામાં નહીં જોડાઈ શકે, માત્ર મંદિરના સભ્યો જ રહેશે.

ઉલ્લેખનીય છે કે રથયાત્રાના 15 દિવસ પહેલા સાબરમતી નદીમાંથી જળ લાવી રથ પર તેનો અભિષેક કરાય છે અને તેને પવિત્ર કરાય છે. અમદાવાદ પોલીસે જળયાત્રા યોજવાની મંજુરી આપતા હવે 24મી જુને જળયાત્રા યોજાવાની છે. લોકોનો અંદાજ છે કે જળયાત્રાને મંજુરી મળી છે તો હવે રથયાત્રાને પણ મંજુરી મળી જશે. જોકે હજુ આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વચ્ચે બેઠક યોજાશે. રાજ્યસરકારના ગૃહવિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચાઓ થશે જે પછી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની હાજરીમાં પણ એક બેઠક યોજાશે. જે પછી કોઈ નક્કર નિર્ણય સામે આવશે.