રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): આદિવાસીઓ કેવા હોય છે, કેવું વિચારે છે, તેમની કેવી જીવનશૈલી હોય છે; તેનો નજીકથી પરિચય મને પોલીસ ટ્રેનિંગ કોલેજ જૂનાગઢમાં થયો હતો. 2 માર્ચ 1990 ના રોજ હું સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક તરીકે તાલીમમાં જોડાયો હતો. અમે કુલ 17 તાલીમાર્થીઓ હતા. તેમાં એક તાલીમાર્થી હતા પ્રભાત પટેલ. શરુઆતમાં એવું લાગ્યું કે તે ખેડા-આણંદ જિલ્લાના પાટીદાર હશે; પરંતુ તેઓ આદિવાસી હતા; તેનું વતન હતું ટાંકલ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી.

પોલીસ ટ્રેનિંગ કોલેજની આઉટડોર તાલીમ ખૂબ આકરી હતી. સવારમાં 5:00 વાગ્યે ઉઠવાનું. નાહી ધોઈ તૈયાર થઈ, 6:00 વાગ્યે કોત ઉપર રાયફલ લેવા જવાનું; પરેડ ગ્રાઉન્ડ ઉપર ફોલિન થવાનું; પછી 10:00 સુધી રનિંગ, ઓબ્સ્ટેકલ્સ, પીટી પરેડ, રાયફલ પીટી વગેરેમાં પરસેવાથી નીતરી જવાનું ! બપોરે લો ક્લાસ; સાંજે ફરી પરેડ ગ્રાઉન્ડ ઉપર ફોલિન થવાનું. ગેમ્સ અથવા હોર્સ રાઈડિંગ ! નવરા ન પડવા દે. રાત્રિ ભોજન પછી પણ રોલકોલ ! તમે છટકી ન શકો તેવી હાર્ડ ટ્રેનિંગ ! આવા સમયે ભલભલા હિંમત હારી જાય. મારું વજન એક મહિનામાં 9 કિલો ઘટી ગયું હતું ! તાલીમનો એક વર્ષનો કઠિન સમય સહજતાથી નિકળી ગયો તેનું કારણ એ હતું કે આ સમયે આનંદ ફિલ્મના હિરો રાજેશ ખન્ના જેવા રમતિયાળ, સદા આનંદમગ્ન રહેનાર અને આનંદ વહેંચનાર અમારી વચ્ચે હતા; તે પ્રભાત પટેલ ! મારા પરમ મિત્ર.

તેમની એક ખાસિયત હતી કે તેઓ ક્યારેય ગુસ્સે થતાં ન હતા; હંમેશા પ્રસન્ન મુદ્રામાં રહે. તેમના અક્ષરો મોતી જેવા મરોડદાર; તેમની રુમમાં દરેક ચીજવસ્તુઓ બરાબર ગોઠવાયેલી હોય; તેમનો ટર્નઆઉટ સરસ રહેતો. તેમની બોલવાની લઢણ મીઠી. આદિવાસીઓ જમીન સાથે કેટલા જોડાયેલા હોય છે; કેટલા સહજ, નિર્દોષ હોય છે તેનો પરિચય કરાવનાર પ્રભાત પટેલ ! તેમણે DySP, SP, DIG તરીકે ઉમદા સેવા આપી. તેઓ ઉત્તમ પોલીસ અધિકારી હતા કેમકે તેઓ ઉત્તમ માણસ હતા ! ઉત્તમ માણસ જ ઉત્તમ અધિકારી બની શકે !

પ્રભાત પટેલ DIGP તરીકે નિવૃત થઈને વતનમાં સામાજિક સેવામાં જોડાયા હતા. તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને સુરત હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવાની હતી ત્યાં તેમણે 12 ઓક્ટોબર 2020ના રોજ સવારે દેહ છોડી દીધો. એક આનંદ આપણી વચ્ચેથી એકાએક ઝૂંટવાઈ ગયો તેનું દુઃખ છે. આનંદના રાજેશ ખન્ના જેવા જ આનંદમગ્ન મિત્રને આદરાંજલિ...