દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશ પ્રત્યેની ભક્તિનો આજકાલ દેખાડો વધ્યો છે. તે વચ્ચે સાચી દેશભક્તિ રાખવાની અને અન્યોમાં તે જીવંત રહે તે માટેનો સાચો પ્રયાસ અમદાવાદના પાર્થિવ ઠક્કર કરે છે. અમદાવાદમાં આવેલી પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આઇઆઇએમ પાસે તેઓ ફકિરાસ બર્ગર નામની એક નાનકડી નાસ્તાપાણીની શોપ ચલાવે છે, તેમ છતાં તેઓએ આ શોપ ચલાવતાં એક એવો આઇડિયા અમલમાં મૂક્યો છે કે લોકો દેશ પ્રત્યે સન્માન કરવાનું શીખે. તેમના શોપ પર આવીને જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાન ગાય તો તેઓ પોતાને ત્યાં મળતી દરેક નાસ્તાપાણી પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે!

સામાન્ય રીતે પોતાનો બિઝનેસ ચલાવવા ખાતર અવનવા આઇડિયા મૂકવાનો ટ્રેન્ડ છે, પરંતુ પાર્થિવભાઈના કિસ્સામાં એવું નથી. તેઓએ આ પ્રયોગ માત્ર ને માત્ર દેશ અને રાષ્ટ્ર પ્રત્યેનું સન્માનને લોકો સ્મૃતિમાં રાખે તે માટે કર્યો છે. પાર્થિવ ઠક્કર આમ તો બાર વર્ષ ઇગ્લેન્ડ રહ્યા છે અને પોતે પ્રોફેશનથી મ્યુઝિશિયન છે. તેમણે ઇંગ્લેન્ડમાં મ્યુઝિશિયન તરીકે લાંબા સમય સુધી કામ કર્યું. આ સાથે તેમણે પાર્ટ ટાઇમમાં લંડનની અલગ-અલગ રેસ્ટોરેન્ટમાં કામ કર્યું. તે દરમિયાન જ તેઓ વેસ્ટર્ન ફૂડ બનાવતાં શિખ્યા. બધું જ આમ સરસ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ સંજોગો એવા આવે ત્યારે વ્યક્તિને કરેલાં આયોજન બાજુએ મૂકીને નવેસરથી બાજી ઘડવી પડે છે અને તેવું જ પાર્થિવભાઈ સાથે થયું. બ્રિટન દ્વારા મ્યુઝિશિયની વર્ક પરમીટ રિન્યૂ ન કરવામાં આવી અને તેઓ નવી તક અર્થે અમેરિકા પહોંચ્યા અને ત્યાં પોતાની મોટલ શરૂ કરી. જોકે કુદરતે કંઈક અલગ વિચારી રાખ્યું હતું. બે વર્ષ અગાઉ તેમનાં પત્નીને બ્રેસ્ટ કેન્સરની બીમારી થઈ અને તેઓને પત્નીના સારવાર અર્થે ભારત પાછું ફરવું પડ્યું.

ભારત આવી ગયા, પત્નીની સારવાર શરૂ થઈ, પરંતુ અહીંયા આવીને તેમની પાસે કોઈ કામ નહોતું. વર્ષો સુધી તનતોડ મહેનત કર્યા પછી જ્યારે કામ વિના બેસી રહેવાનું આવ્યું ત્યારે માનસિક રીતે પણ પાર્થિવભાઈએ દબાણ અનુભવ્યું. ડિપ્રેશન સવાર થવા માંડ્યું. આ દરમિયાન તેમની દીકરીએ વિચાર આપ્યો કે પપ્પા આ રીતે તો વધુ મુશ્કેલી ઊભી થશે તેથી કંઈક કામ કરો અને શક્ય હોય તો ફૂડનો બિઝનેસ શરૂ કરો.

બસ પછી તે વિચાર અમલમાં મૂક્યો અને આજે તેઓની શોપ અમદાવાદના આઇઆઇએમ વિસ્તારમાં નાસ્તાપાણીના શોખીન માટે પસંદગીની જગ્યા બની છે. તેઓ અહીંયા વેસ્ટર્ન સ્વાદના બર્ગર અને અન્ય પકવાનો સર્વ કરે છે. તેમના શોપ પર મહદંશે યંગસ્ટર્સ આવે છે. આ યંગસ્ટર્સને જોઈને પાર્થિવભાઈને લાગ્યું કે યંગસ્ટર્ના વિચારો અને બોડી લેન્ગ્વેજમાં ક્યાંય દેશ પ્રત્યેનું સન્માન ઝળકતું નથી. તેઓ વિદેશમાં આટલાં વર્ષો સુધી રહ્યા તેથી આ વાત તેમને વધુ નિરાશ કરતી હતી. તેથી તેમણે પોતાનાથી આ બાબતે શું થઈ શકે તે વિચાર કર્યો અને છેવટે રાષ્ટ્રગાન ગવડાવીને ડિસ્કાઉન્ટ આપીએ તો કેવું રહે, તે વિચાર અમલમાં મૂક્યો. થોડા દિવસ પ્રયોગ કરી જોયો અને તેમને સફળ લાગ્યો. આજે તેઓ તે પ્રયોગને વિધિવત્ રીતે લોન્ચ કર્યો છે. વ્યક્તિ અહીંયા આવીને જો સન્માનનીય રીતે રાષ્ટ્રગાન ગાય તો તેમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. જોકે તેમ છતાં પાર્થિવભાઈને ઘણાં યંગસ્ટર્સ રાષ્ટ્રગાન ગાવામાં શરમ અનુભવતા હોય તેવું લાગે છે.

પાર્થિવભાઈનું કહેવું છે કે ડિસ્કાઉન્ટની લાલચમાં રાષ્ટ્રગાન ગાવાની જરૂર નથી અને તેમ કોઈ કરતું હોય તો તેમ કરવાની ના કહીને તેમને એમને એમ જ ડિસ્કાઉન્ટ આપે છે. રાષ્ટ્રગાન દિલથી ગાય અને સૌને સંભળાય તે રીતે ગાય તો જ પાર્થિવભાઈ દિલથી ડિસ્કાઉન્ટ આપે છે. એ રીતે પાર્થિવભાઈના ડિસ્કાઉન્ટ મેળવવા ખરી દેશભક્તિના દર્શન આપવા પડે છે. જોકે ફકીરાસ બર્ગરમાં ઘણાં એવી પણ વ્યક્તિ આવે છે જેઓને ડિસ્કાઉન્ટ નથી જોઈતું બસ તેઓ રાષ્ટ્રગાન ગાય છે અને પુરી કિંમત ચુકવીને બર્ગર ખરીદે છે. પાર્થિવભાઈનું પોતાના શોપ પુરતી દેશભક્તિને રાષ્ટ્રભક્તિની પરીક્ષામાં કોઈ જ આવરણ નથી, બસ એક સામાન્ય વ્યક્તિ પોતાના બિઝનેસ, ધંધા-રોજગાર સાથે જે કંઈ પોતાના દેશના સન્માન માટે કરી શકે તેનું અનુબંધન છે.