મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કરી લેતા પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો હતો. શહેરના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીઘી હતી. ખોખરા વિસ્તારમાં આ ઘટના બનતા ખોખરા પોલીસ અને મણિનગર પોલીસના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા કોન્સ્ટેબલ મનીષાબા વાઘેલા ત્રણ વર્ષથી મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમને 15વર્ષનો એક પુત્ર છે. મહિલાએ 1, 2 દિવસ અગાઉ આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, કેમ કે લાશની તીવ્ર વાસ મારતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ઉલેખનીય છે કે મનીષાબાના પતિ અને પુત્ર કોઈક કારણોસર જામનગર ગયા હતા. તે દરમિયાન તેમણે આત્મહત્યાનું પગલુ ભરી લીધું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મહિલા પોલીસ અને તેમના પતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મહિલા પોલીસે તેમના પતિને ફોન કરવાની પણ ના પાડી દીઘી હતી અને પતિનો ફોન પણ ઉપાડનુ બંઘ કરી દીધું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો તેમજ મહિલા પોલીસકર્મીનો મોબાઈલ ફોનને FSL રિપોર્ટ માટે મોકલી આપ્યો છે. પોલીસને હાલ કોઈપણ પ્રકારની સ્યુસાઈડ નોટ મળી નથી, પરંતુ આગામી સમયમાં મોબાઈલ ફોનનો FSL રિપોર્ટ આવતા કેટલાક અગત્યના ખુલાસા થઈ શકે છે.

Advertisement


 

 

 

 

 

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]